ભાવનગરથી તમામ મોટા શહેરોની હવાઇ સેવાઓ કપાઇ ગયા બાદ સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.5મી મેથી ભાવનગર-મુંબઈ માટેની દૈનિક ફ્લાઇટ (શનિવાર સીવાય)શરૂ કરવામાં આવનાર છે, સ્પાઇસ જેટ દ્વારા બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે, અને બૂકિંગ શરૂ પણ થઇ ચૂક્યુ છે. તા.5મી મેથી સવારે 07:55 કલાકે પૂનાથી ઉપડી વિમાન સવારે 09:05 કલાકે ભાવનગર આવી પહોંચશે. ભાવનગરથી મુંબઇ માટે સવારે 09:50એ ઉપડશે અને મુંબઇ 10:55એ પહોંચશે. મુંબઇથી ભાવનગર માટે 13:05એ ઉપડશે અને 14:10એ ભાવનગર પહોંચશે. ભાવનગરથી પૂના માટે 14:45એ ઉપડી અને 16:00એ પૂના પહોંચશે. ભાવનગર-મુંબઇનું શરૂઆતનું ભાડુ 3563 રૂપિયા અને ભાવનગર-પૂનાનું શરૂઆતનું ભાડુ 3069 બૂકિંગ શરૂ થયુ ત્યારે છે, જેમ જેમ ફ્લાઇટનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ ભાડામાં વધારો થતો રહે છે. માર્ચ મહિનામાં એર ઇન્ડીયા અને સ્પાઇસ જેટ દ્વારા ભાવનગરથી મુંબઇની તેઓની વિમાની સેવા બંધ કરવામાં આવી હતી, અને ત્યારથી ભાવનગરના એરપોર્ટના અસ્તિત્વ પર ખતરો મંડરાવવા લાગ્યો હતો. તેવા સમયમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો., ભાવનગર જિલ્લા ડાયમંડ એસો. દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર સહિતના સંસ્થાનો, સાંસદ ભારતીબેન, મંત્રી મનસુખભાઇ દ્વારા કરાયેલા પ્રયાસોને કારણે ભાવનગરને પુન: મુંબઇની દૈનિક ફ્લાઇટ મળી રહી છે.