દિલ્હીથી ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સુધી એક્સપ્રેસ વે બનાવવાની યોજનાને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી છે. આ એક્સપ્રેસ વે બનવાના કારણે બંને શહેરો વચ્ચેની મુસાફરી માટે જે સમય લાગતો હતો તેમાં પાંચ થી છ કલાકનો ઘટાડો થશે. આ માટે જોકે 11000 વૃક્ષો કાપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ માટે મંજૂરી આપી છે પણ સાથે સાથે ગ્રીન ટ્રિબ્યુનલની એક પેનલની પણ નિયુક્ત કરી છે. જે પર્યાવરણને થયેલુ નુકસાન ભરપાઈ કરવાની સાથે વૃક્ષારોપણ પણ કરાવશે. દિલ્હીથી દહેરાદૂન વચ્ચે બનનારા એક્સપ્રેસ વે માટે યુપીમાં 20 કિલોમીટર લાંબો રસ્તો જંગલમાંથી પસાર થવાનો છે. આ એક્સપ્રેસ વે બનાવવા માટે આ વિસ્તારના 11000 વૃક્ષો કાપવા પડે તેમ છે. જેની સામે સંખ્યાબંધ એનજીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેના પગલે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે હવે કેટલીક શરતો સાથે યોજનાને લીલી ઝંડી આપી છે.