અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના સમઢીયાળા ગામની જમીનમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા નેશનલ હાઈવેના કામ માટે માટી ઉપાડતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વિરોધ કરી હાલ આ કામ અટકાવ્યું છે. માટી ઉપાડ્યા બાદ મસમોટા ખાડા પડી જતા તેમાં પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતનો ભય રહે છે. જેને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્ર દ્વારા તાત્કાલીક માટી ઉપાડવાનું કામ બંધ કરાવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે માટી ઉપાડ્યા બાદ મસમોટા ખાડા પડી જાય છે જેમાં પાણી ભરેલા રહેતા હોવાના કારણે ડૂબી જવાની ઘટનાઓ બને છે. જેથી માટી નહી ઉપાડવા માટેની માંગ કરી હાલ કામ અટકાવ્યું છે. અહીં બાજુમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેના કામમાં માટી ગામની મંજૂરી ઠરાવ વગર નાખતા હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં આસપાસના કેટલાક ગામડામાં આ રીતે માટી ઉપડી રહી છે સાથે સાથે નિયમ કરતા વધુ ઓવર લોડ વાહનો ચલાવવામાં આવી રહ્યા છે. અહીં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ તમામ વાહનો પસાર થઈ રહ્યા છે. સમઢીયાળા ગામના સરપંચ રમેશ ચૌહાણે જણાવ્યું કે, અમારા ગામમાંથી માટી ઉપાડવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની મંજૂરી વગર આ માટી ઉપાડવામાં આવી રહી છે. માટી ઉપાડ્યા બાદ હાલ મોટા ખાડા પડી રહ્યા છે. જેમાં પાણી ભરાતા અકસ્માતનો ખતરો રહે છે. અગાઉ ગામના યુવાનો આ રીતે પાણીના ખાડામાં ડૂબી ગયા હોવાની પણ ઘટનાઓ બની છે. જેથી આજે અમે આ કામનો વિરોધ નોંધાવી અને કામ હાલ અટકાવ્યું છે. તેમજ તંત્ર આ કામ બંધ કરાવે એવી અમારી માંગ છે.
Home > Saurashtra > Amreli > રાજુલાના સમઢીયાળામાંથી કોન્ટ્રાક્ટર દ્વારા નેશનલ હાઇવેના કામ માટે માટી લઈ જવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો.