રાજ્યની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર કરવાનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્યમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના બે સખીમંડળ દ્વારા એકલવ્ય સ્કૂલમાં બાળકોને આપવામાં આવતા ભોજન રાંધવાની કામગીરી હવે ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ મામલે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી છે. સરકારે આ મામલે સરકારને નોટીસ પાઠવી છે. હવે વધુ સુનાવણી આગામી 27 જૂને યોજવામાં આવશે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં આદિજાતિ સમાજના બાળકો માટે રેસિડેન્સીયલ સ્કૂલોમાં ભોજન તથા નાશ્તાની વ્યવસ્થા માટે જે તે વિસ્તારના સખીમંડળોને કામગીરી સોંપવામાં આવી હતી.આ કામગીરી હવે સખીમંડળો પાસેથી છીનવીને ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવી છે. જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે સખી મંડળોને આ પ્રકારની કામગીરી સોંપવા માટે નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ અંગે ગુજરાત સરકારે 2012માં પરિપત્ર પણ કર્યો હતો. અરજદાર દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે સખી મંડળોને ભોજન માટેની કામગીરી નથી સોંપવામાં આવી રહી, જેથી સ્થાનિક સ્તરે તેમના માટે રોજગારીની તકો પણ છીનવાઇ રહી છે. કોર્ટ સમક્ષ આવેલ બે સખીમંડળોનું ટેન્ડર નીચા ભાવે હતું, તેમ છતાંય તેમને આ કામગીરીથી બાકાત રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય સ્તરે તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતી સુવિધા મળે તે માટે આ સ્કૂલો શરુ કરાઈ હતી. જેમાં હાલ રાજ્યમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં એકલવ્ય સ્કૂલો અસ્તિત્વમાં છે.