શહેરના ઓઢવમાં આવેલી તક્ષશિલા સ્કુલમાં અત્યારે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પરીક્ષા દરમિયાન ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સ્કુલ સંચાલક દ્વારા કહેવામાં આવ્યું છે કે, 150 બાળકોની 2-3 વર્ષની ફી બાકી છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હતા તેમને અત્યારે બહાર ઉભા રાખ્યા છે. ઓઢવમાં આવેલી તક્ષશિલા સ્કુલમાં લોકડાઉન સમયથી કેટલાક વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હતી. તે બાકી ફીને લઈને સ્કુલે અનેક વખત કહ્યા છતાં વાલીઓએ ફી ના ભરતા આજે પરીક્ષા દરમિયાન 6 થી 8 વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. 30 જેટલા વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા, જે બાદ કેટલાક વિદ્યાર્થીઓએ વાલીને બોલાવીને ફી ભરી હતી. જ્યારે 7-8 વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હતી, જેથી તેમને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. જેને લઈને વાલીઓએ સ્કુલ પર હોબાળો કર્યો હતો. સોનલબેન નામના વાલીએ જણાવ્યું હતું કે, મારે હમણાં ફીની સગવડ નથી અને મારા બાળકને પરીક્ષા ચાલી રહી છે તો તેને બહાર ઉભો રાખવામાં આવ્યો છે. સગવડ થશે ત્યારે હું ફી ભરી દઈશ, પરંતુ સ્કુલ પરીક્ષા દરમિયાન જ બહાર ઉભા રાખે તો બાળકોનું ભવિષ્ય બગડશે જેથી અમારા બાળકને પરીક્ષા આપવા દેવામાં આવે. સ્કુલના સંચાલક વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, અમે બાળકોને ફી માટે બહાર નહોતા ઉભા રાખ્યા. 150 બાળકોની ફી બાકી છે, અમે તમામને સતત ફી ભરવા કહ્યું જ છે. જે બાળકો સતત રજા પાડીને સ્કુલે નથી આવ્યા તે બાળકોને અમે બહાર ઉભા રાખ્યા હતા અને કારણ જાણીને અમે તેમને અંદર બેસવા પણ દીધા છે.