એપ્રિલ માસની શરૂઆત થતાંની સાથે જ બારમાસી ખાદ્યપદાર્થોની ચીજવસ્તુઓ ભરવાની સીઝનની શરૂઆત થઈ જાય છે. ખાસ કરીને ચૈત્ર માસના પ્રારંભે જ મરી મસાલા સહિત કઠોળ, ચોખા અને ઘઉં ભરવાનો પ્રારંભ થઈ જતો હોય છે. જેને લઈ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ખાતે ઘઉંની મબલખ આવકો જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં આજે વહેલી સવારથી જ ખેડૂતો દ્વારા ઘઉંના ઢગ ખડકી દેવામાં આવતા નવા ગંજ બજાર ઘઉંની આવકોથી ધમધમી રહ્યું છે. ત્યારે આજે ઘઉંના ભાવે ઐતિહાસિક રૂ. 700ની સપાટી કૂદાવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાત સહિત પાટણ જીલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારીત છે. ગત વર્ષે તેમજ શિયાળામાં પ્રમાણસર ઠંડી પડતા ખેડૂતો દ્વારા રવિપાકનું ઉત્પાદન કરવામાં આવ્યુ હતું. જો કે ગત વર્ષે ચોમાસુ નિષ્ફળ જવાના કારણે ઘઉં સહિત અન્ય રવિપાકોના વાવેતરમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો હતો. જિલ્લાની 18 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું. જે ગત વર્ષની સરખામણીએ ઓછુ નોંધાવા પામ્યું છે. ચાલુ વર્ષે ઘઉંની આવકમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે. હાલમાં પાટણના નવા ગંજ માર્કેટયાર્ડમાં ઘઉંની 2000 બોરીની આવક થઈ રહી છે. જ્યારે ગત વર્ષે એપ્રિલ માસની શરૂઆતમાં રોજની 4થી 5 હજાર બોરીની આવકો થઈ રહી હતી. ગત વર્ષે માર્કેટયાર્ડમાં એક મણ ઘઉંના ભાવ રૂ. 350થી 500 જેટલા હતા. તેની સરખામણીમાં ચાલુ વર્ષે ઘઉંની આવકો ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો છે અને એક મણ ઘઉંના ભાવ રૂ. 435થી 735 છે. જે ગત વર્ષની સરખામણીએ મણ દીઠ રૂા. 200થી 300નો વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આટલા ઊંચા ભાવ પડ્યા ન હોય એ ભાવે ઐતિહાસિક સપાટી કુદાવી છે . નવા ગંજ માર્કેટયાર્ડમાં સારી ક્વોલીટીના ઘઉંના ભાવ મણદીઠ રૂ. 435થી 735 સુધી હરાજીમાં વેચાઈ રહ્યા છે. જ્યારે મધ્યમ ક્વોલીટીના ઘઉંની મણદીઠ રૂા. 430થી 550ના ભાવે વેપારીઓ દ્વારા હરાજીમાં ખરીદી કરવામાં આવી રહી છે . હાલમાં નવા ગંજ માર્કેટયાર્ડમાં ઘઉંની સાથે સાથે દિવેલાની પણ મબલખ આવકો થઈ રહી છે. આજે દિવેલાની 15 હજાર 300 બોરીની આવક થઇ હતી અને એક મણના ભાવ રૂ. 1375થી 1430 જોવા મળ્યા હતા. ત્યારે રાયડાની પણ રોજની 4455 બોરીની આવક થઈ રહી છે અને તેના એક મણના ભાવ રૂ. 1220થી 1417 રહ્યા હતા. ઘઉંની નવી આવકો શરૂ થઈ હોવાથી ગંજ બજારમાં ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આમ પાટણ નવાગંજ માર્કેટયાર્ડમાં એપ્રિલ માસના પ્રારંભથી જ ઘઉં સહિત કપાસ, એરંડા, જીરુ, વરીયાળી, રાયડો, મેથી સહિતના વિવિધ પાકોની ઉપજથી ગંજબજાર ઉભરાઈ રહ્યું છે. આમ માર્કેટયાડમાં આવક વધવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઘઉં ખાવા મુશ્કેલ બન્યાઘઉંની રોટલી એ રોજબરોજના ભોજનમાં લેવાતી હોવાથી તેના વિના એક દિવસ પણ ચાલે નહિ. ત્યારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દુધ, છાસ, લીંબુ અને ખાદ્યતેલના ભાવો આસમાને પહોંચી ગયા છે અને સામાન્ય પરિવારો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. આ મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે સામાન્ય પરિવારો માટે ઘઉંના વધેલા ભાવથી વધુ એક મોંઘવારીનો માર માર સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ઘઉં પકવતા ખેડૂતોને પ્રથમવાર એટલા ઊંચા ભાવ મળતાં તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.પ્રથમવાર આટલા ઉંચા ભાવ પડ્યાપાટણ માર્કેટયાર્ડના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર પાટણ માર્કેટયાર્ડમાં ભૂતકાળમાં અત્યાર સુધી 700થી ઉપર ઘઉંના ભાવ પડ્યા નથી. ત્યારે હાલમાં રૂ. 735ના ભાવ પડતા ઘઉંએ ઐતિહાસિક સપાટી પાર કરી છે.
