સુરેન્દ્રનગર જિલ્લામાંથી દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે જિલ્લાના 4 ડેપોમાંથી 73 જેટલી બસ ફાળવતા હાલ મુસાફરોને મુસાફરી માટે રઝળપાટ કરવાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા તેમજ લીંબડી એસટી ડેપોમાંથી એસટી બસો ફાળવતા 61થી વધુ રૂટ બંધ રહેતા બુધ તેમજ ગુરુ એમ 2 દિવસ સુધી મુસાફરો ખાનગી વાહનોના ભરોસે મુસાફરી કરવી પડશે. ખોટના ખાડા સાથે દોડતી એસટી બસો હવે ખાનગી પંપોના ભરોસે થઇ ગઇ છે. ત્યારે હવે મુસાફરો પણ દિવસે દિવસે ખાનગી વાહનોના ભરોસે થઇ જતા મુસાફરોમાં રોષ ફેલાયો છે. કારણ કે તા. 20-4-2022ના રોજ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાના ડેપોની એસટી બસો ફાળવવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ ચોટીલા ડેપોમાંથી કુલ 73 બસ ફાળવતા લોકલ સહિતના અંદાજે 61 જેટલા રૂટ બંધ કરી દેવાયા છે. પરિણામે તા. 19 અને 20 એપ્રિલ એમ બે દિવસ સુધી જિલ્લાના વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકી ભોગવવાની સાથે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડશે. બીજી તરફ આ અંગે ખુશાલભાઈ, દિપકભાઈ, રેણુકાબેન, કુલદીપભાઈ વગેરે મુસાફરોએ જણાવ્યું કે, શનિ-રવિ રજામાં કે અન્ય કોઇ જાહેર રજાઓમાં આ રીતે બસો ફાળવીને તેનું આયોજન કરવું જોઇએ. સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરો એસટીના ભરોસે આવતા જતા હોય છે. અને ડેપો પર તપાસ કરીએ તો જાણવા મળે છે કે આ રૂટો અને તેની બસો બંધ છે. એસટી તંત્ર આ બાબતે ડેપોમાં નોટિસ મારીને સંતોષ માની લે છે, ખરેખર આવું ન હોવું જોઇએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરો-વિદ્યાર્થીઓ માટે એસટી બસોની સુવિધા રાખવી જોઇએ. 19 અને 20 એપ્રિલ 2 દિવસમાં 61 જેટલા રૂટો બંધ કરવામાં આવ્યા છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાના મુસાફરો અને સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોંધ લેવી. આ દિવસોમાં પડતી મુશ્કેલી બદલ દિલગીર છીએ. તેવી ડેપોમાં નોટિસ મૂકીને તંત્રે સંતોષ માન્યો હતો. સુરેન્દ્રનગર એસટી ડેપોની 25થી વધુ બસ બંધ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની ટીમ દ્વારા વિરોધ પ્રદર્શન કરી બસ સ્ટેન્ડ પર જ ધરણા પર બેસતા બી-ડિવિઝન પોલીસે જ કમલેશભાઈ કોટેચા, વિક્રમભાઈ દવે, સતીષ ગમારા, દીપકભાઈ ચીહલા, બકુલભાઈ પરમાર સહિતના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઇ જઇને છોડી મૂકાયા હતા.
Home > Madhya Gujarat > Dahod > દાહોદમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાની 73 ST બસ ફાળવાતા મુસાફરો 2 દિવસ રામભરોસે.