કેશોદના કોયલાણા ગામ નજીક નેશનલ હાઇવે પસાર થાય છે. જયાંથી રેવદ્રા અને પાણાખાણ તરફ જતો સ્ટેટ હાઇ વે જાય છે. આ સ્ટેટ હાઇવે પર જવા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. તેથી વારંવાર અકસ્માત સર્જાય છે જેને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. આસપાસના ગામલોકોએ સર્વિસ રોડ આપવાં તંત્રને વારંવાર રજૂઆત કરી હતી. છતાં સર્વિસ રોડ આપવામાં ન આવતાં આસપાસના 8 ગામ આગેવાનોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતાં. આ આંદોલન 4 દિવસ ચાલ્યું હતું. ત્યાં નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા 60 દિવસમાં ટેન્ડર પ્રક્રિયા પુરી કરી કામગીરી શરૂ કરવા લેખિત બાંહેધરી આપી હતી. અને પાંચમાં દિવસે સર્વિસ રેડની ડિઝાઇન આપી હતી. જે બરાબર જણાતાં ઉપવાસી છાવણીએ આંદોલન સમેટ્યું હતું. જો કે 8 ગામના આગેવાનોએ ચૂંટાયેલાં કોઈ મોટા રાજકીય આગેવાનો ઉપવાસી છાવણીની મુલાકાત લીધી નથી તેમ કહી રોષ વ્યક્ત કર્યો હતો. જેને ધ્યાને રાખી આંદોલનના પાંચમાં દિવસે સાંસદ રમેશભાઈ ધડુક સહિતના આગેવાનોએ છાવણીની મુલાકાત લીધી હતી. આમ ઉપવાસ આંદોલન પૂર્ણ થયું પરંતુ ગામલોકોએ નેશનલ ઓથોરીટી સમયસર કામગીરી પૂર્ણ નહીં કરે તો ફરી આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. હવે જયારે સર્વિસ રોડની મંજૂરી મળી જ છે તો સાંસદ રમેશભાઈ ધડુકે ઓવરબ્રીજ બનાવવા એક વર્ષમાં પોતે કેન્દ્રમાંથી મંજૂરી પણ મેળવી લેશે તેવી ખાત્રી આપતાં ઉપવાસી છાવણીએ તાલીઓથી વાતને વધાવી હતી.