જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો નિરંતર જળવાઈ રહે તે હેતુથી શહેરમાં અનેક જગ્યાએ રીંગ મેનઇ યુનિટ એટલે કે આરએમયું યુનિટ મુકવામાં આવ્યા છે. કોઈ અઘટીત બનાવ કે અકસ્માત ન સર્જાય તે હેતુથી આ યુનિટની ફરતે ફેન્સીંગ મૂકવામાં આવી છે. પરંતુ શહેરમાં વોરાના હજીરા, ક્રોસ રોડ, ગાંધીનગર જેવા અનેક વિસ્તારોમાં આરએમ યુનિટની ફરતે મુકવામાં આવેલી ફેન્સીંગ તૂટેલી હાલતમાં છે. વળી એટલું ઓછું હોય તેમ વોરાના હજીરા પાસે આવેલા યુનિટ પર ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમજ આ યુનીટની આસપાસ અને અંદરના ભાગે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેને કારણે રખડતા ઢોર ખાવાની શોધમાં આરએમયું યુનિટની ખૂબ જ નજીક પહોંચી જાય છે. તો વળી શહેરમાં હોસ્પિટલ નજીક, વોરાના હજીરા જેવા વિસ્તારમાં આ યુનિટની પાસે વેપાર-ધંધા કરવામાં આવી રહ્યા છે. તેમજ માલ સામન રાખવા આ યુનિટની ફેન્સીંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.તો વળી ક્રોસ રોડ પાસે આવેલા યુનિટની ફેન્સીંગ પર જાહેરાતના બોર્ડ પર લગાવવામાં આવ્યા છે. આમ, તંત્રની આ બેદરકારી અકસ્માતને ખુલ્લું આમંત્રણ અપાઇ રહ્યું છે. તેમ છતાં પીજીવીસેલ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું છે.