ચરોતરમાં દેશી લીંબુ આવક જૂન જુલાઇ શરૂ થાય છે. ઉનાળમાં ગરમી રાહત મેળવવા તેમજ લૂથી બચવા માટે લીંબુ પાણીનું ચલણ વધુ હોય છે સાથે સાથે રમઝાન માસ હોવાથી લીંબુની માંગ વધુ છે. માર્ચની શરૂઆત આણંદ જિલ્લામાં દૈનિક 5 ટનથી વધુ લીંબુ આવતા હતા. તે એપ્રિલમાં ઘટીને 1 ટન થઈ છે.જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરંતુ આ વખતના ઉનાળામાં તમે લીંબુ પાણીના બદલે વિટામિન યુક્ત ફ્રૂટ જ્યુસ પીસો તો સસ્તો પડશે. જીહા, લીંબુના ભાવ જે રીતે આસમાન આંબી રહ્યા છે, તેની સામે ફળ ફળાદીના ભાવ સાવ સામાન્ય બની ગયા છે. આણંદ મોટી શાક માર્કેટમાં માર્ચની શરૂઆતમાં રૂા 40 થી 60 રૂપિયે કિલો મળતાં લીંબુના ભાવ 19 એપ્રિલના રોજ રૂા 180ના ભાવ વધારા સાથે રૂા 240 પર પહોંચી ગયા છે.જયારે 1 કિલો લીંબુની સામે તેટલી જ કિંમતમાં સફરજન, દ્રાક્ષ, ચીકુ, દાડમ, કેળા, તરબૂચ, નારંગી અને ટેટી 500-500 ગ્રામ લેખે કુલ 4 કિલો ફ્રૂટ ખરીદી શકો છો.આણંદશહેરમાં માર્ચ માસની શરૂઆતમાં લીંબુ રૂ.60ના કિલો વેચાયા હતા, જેમાં રૂ.180ના ભાવ વધારા સાથે 19 એપ્રિલે રૂ.240ના કિલો બોલાયા. લીંબુ અને ફ્રૂટના લાભોથી જાણકાર લોકો માની રહ્યા છેકે, 1 કિલો લીંબુની સામે 500 ગ્રામ સફરજન, 500 ગ્રામ દ્રાક્ષ, 500 ગ્રામ ચીકુ, 500 ગ્રામ દાડમ, 500 ગ્રામ કેળા, 500 ગ્રામ તરબૂચ, 500 ગ્રામ નારંગી અને 500 ગ્રામ ટેટી બજારમાં મળી રહ્યા છે. ત્યારે લીંબુ શરબત ને બદલે આ ફળોનો વિટામિન યુક્ત રસ પીવો ખિસ્સા અને શરીર બન્ને માટે તંદુરસ્ત રહેશે. ચરોતરમાં ચાલુ વર્ષે ચોમાસા બાદ વારંવાર વાતાવરણમાં પલટો થતાં માવઠાનો દોર સતત જોવા મળ્યો હતો. જેના કારણે લીંબુના પાકને ભારે નુકશાન થયું હતું. વાવાઝોડામાં લીંબુના નાના નાના ઝાડ ઉખડી ગયા હતા, જેના કારણે આ વર્ષે સ્થાનિક લીંબુની આવક ઘટી છે. એક વરસાદ થશે ત્યાર બાદ લીંબુના ભાવમાં ઘટાડો થશે. ત્યાં સુધી લીંબુના ભાવ ઉંચા રહેશે. જ્યારથી લીંબુના ભાવમાં વધારો થયો છે, ત્યારથી ગૃહિણીઓએ રસોડામાં લીંબુના બદલે લીંબુના ફૂલનો ઉપયોગ શરૂ કર્યો છે. દાળમાં લીંબુના બદલે આંબોળીયા અને ટામેટાનો ઉપયોગ કરી ખટાસ ઉમેરવામાં આવે છે. આટલા મોંઘા ભાવના લીંબુ લાવવા તેના કરતા ઘરે આવતા મહેમાનોને ફ્રૂટ જ્યુસ પીવડાવવું સસ્તું પડે છે.
