ગોહિલવાડમાં આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 46%નો વધારો.

Bhavnagar Latest

આ વર્ષે ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. ગત એપ્રિલ માસની મધ્યે ગોહિલવાડ પંથકમાં કુલ ઉનાળુ વાવેતર 47,700 હેકટર થયું હતુ તે આ વર્ષે હવે એપ્રિલનો મધ્ય આવ્યો છે ત્યારે 69,600 હેકટર થઇ ગયું છે. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં 45.91 ટકા એટલે કે 46 ટકાનો વધારો થયો છે. હેકટરની દ્રષ્ટિએ 21,900 હેકટર વાવેતર વધ્યું છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 7800 હેકટર થયું છે. જે સમગ્ર ગુજરાતમાં સર્વાધિક છે. આમ, ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમાંકે છે. સમગ્ર રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 11,100 હેકટરમાં થયુ઼ છે તે પૈકી 70.27 ટકા એટલે કે 7800 હેકટર વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, ડુંગળી, બાજરી અને તલ હોય છે. જેમાં ઉનાળા આરંભથી જ આ વર્ષે ગરમી પડવા લાગી અને સાથે વિલ્લાના જળાશયોમાં પણ એવરેજ 50 ટકાથી વધુ પાણી ભરાયેલું છે ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણીમાં ઉત્સાહ દાખવ્યો છે. જેમાં બાજરી, મગફળી અને તલ મુખ્ય છે. સાથે શાકભાજી અને મગ પણ છે. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ સહિતના મુખ્ય જળાશયોમાં 52 ટકા જેટલું પાણી સંગ્રહિત છે. ત્યારે આ વર્ષે ડુંગળી, મગફળી અને તલ-બાજરીનું વાવેતર વધ્યું છે. આમ આ વર્ષે સારા સંજોગો સર્જાતા ઉનાળુ પાકનું સુખદ ચિત્ર સર્જાયું છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ વાવેતરમાં મગફળીનું કુલ વાવેતર 23,000 હેકટરમાં થયું છે તેમાં એકલા ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 10,000 હેકટરમાં થયું છે. એટલે કે 43.48 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. જ્યારે રાજ્યમાં ઉનાળુ મગફળીનું સર્વાધિક વાવેતર બનાસકાંઠામાં 24,000 હેકટરમાં થયું છે. તેના પછી ભાવનગર જિલ્લાનો ક્રમાંક છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર મગફળીની વાવણીમાં પ્રથમ નંબરે છે અને બાદમાં 3500 હેકટર સાથે અમરેલી જિલ્લો બીજા નંબરે અને જામનગર જિલ્લો 2500 હેકટર સાથે ત્રીજા નંબરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *