સર્વ મિત્ર (કે.આર.દોશી.ટ્રસ્ટ) ભાવનગરમાં આરોગ્ય, જીવદયા અને પર્યાવરણને લગતી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. તે અંતર્ગત પ્રતિવર્ષ પંખીઓ માટે 3000 જેટલી પરબડી અને માળાનું એક દિવસીય નિશુલ્ક વિતરણ ઉનાળામાં કરવામાં આવે છે. આ વર્ષે પ્રમુખ અમર આચાર્ય અને કેતન પંડયાના સૂચન કે “બાળકોમાં બીજ વાવશો તો ભવિષ્યમાં તમારે આ વિતરણ નહિ કરવા પડે સ્વયમ્ જાગૃતિથી કાર્ય થશે.”તે અનુસાર ટ્રસ્ટના સંવાહક સુચિતાબહેન કપૂરના માર્ગદર્શન નીચે ભાવનગર તાલુકાની કુલ 26 વિવિધ શાળાઓમાં પ્રત્યેક બાળકને પરબડીનું વિતરણ કરવામાં આવ્યું. આ અંતર્ગત 7000 પરબડીનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ભાલના સૂકા પ્રદેશમાં દસ શાળાઓને પણ આવરી લેવાઈ. બાળકોને પર્યાવરણ વિશે માહિતી આપી, તેમને જીવદયા માટે પ્રેરિત કરી રોજ કુંડા સાફ કરી ભરવા મટે પ્રોત્સાહન આપ્યું. અનેક બાળકોએ શિક્ષકો મારફત પોતે ભરેલા કુંડા અને તેમાં આવતાં પંખીઓ, ખિસકોલીઓના પાણી પીતા ફોટાઓ શેર કર્યા જે સંતોષની વાત છે. સાથે જ સાઈબાબા ટ્રસ્ટના ડો.રાજુભાઈ પાઠક દ્વારા પંખીના માળાનું અને પાણીની કુંડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું .