હજીરાના દરિયા કાંઠે ઓઇલ ફેલાઈ જતાં જળચરોને નુકસાન.

Latest surat

હજીરાના દરિયા કાંઠે આજે સવારે હાઇ ટાઈડ વખતે દરિયામાંથી ઓઇલ તણાઇને કિનારે આવ્યું હતું. ઓઈલને લીધે સમગ્ર દરિયાઈ પટ્ટી પર ઓઈલના થરથી પ્રદૂષણ ફેલાયું હતું. ઓઈલના રિસાવને લીધે જળચર જીવો પર ઘાતક અસર જોવા મળી હતી. આ અંગે જાણ થતાં કોસ્ટગાર્ડે આ અંગે તપાસ શરૂ કરી છે. દરિયામાં ઓઈલ રિસાવની ઘટનાને પગલે જળચરોને ભારે નુકસાન થયું હતું. આ રિસાવની ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ (જીએમબી) પોર્ટ ઓફિસર, ડીજી શિપિંગ, કલેકટર, પર્યાવરણ વિભાગ ગાંધીનગર અને જીપીસીબીને પર્યાવરણવિદ એમએસએચ.શેખ, દીપક ડી. પટેલ, હજીરા વિસ્તારની માછીમારી કરતી સંસ્થાઓ, સ્થાનિકો અને માછીમારોએ ફરિયાદ કરી હતી. આ રિસાવનો સ્ત્રોત શોધવા માટે કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટર સેપ્ટર બોટ દરિયામાં મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સમુદ્રના દરિયાઇ વન્યપ્રાણી, માછીમારી અને દરિયાકાંઠાના વાતાવરણને થતા નુકસાનથી બચવા માટે આ મામલે તલ સ્પર્શી તપાસ યોજી કસૂરવારો સામે કાર્યવાહી થવી જોઈએ એવો સૂર સ્થાનિકો દ્વારા ઊઠી રહ્યો છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જહાજોની દેખરેખ કરવા માટે વીટીએમએસ રડાર સિસ્ટમ લગાડવામાં આવી છે. આ સિસ્ટમ આ ઓઇલ ફેલાવને ટ્રેક કરવામાં નિષ્ફળ રહી છે. પર્યાવરણવિદ એમએસએચ શેખે જહાજોની દેખરેખ કરવા જીએમબીએ તેની સામે પણ તપાસ યોજવા માગ કરી છે તથા કિનારે આવેલ ઓઇલને નિયમો મુજબ સાફ કરવા માટે પગલાં ભરવા અને ઓઇલ દૂર કરવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. મગદલ્લા ગ્રુપ ઓફ પોર્ટ્સના જીએમબી પોર્ટ ઓફિસર દ્વારા પણ આ પ્રદૂષણનું મૂળ શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક કંપનીઓએ પણ કિનારા બચાવવાનાં પગલાં માટે આયોજન કર્યું છે. બ્રેકિશ વોટર રિસર્ચના એમએસએ.શેખ. હજીરા માછીમાર સમિતિ હસમુખભાઇ ડી રાઠોડ, હજીરા કાંઠા વિસ્તાર ઔધોગિક પ્રદૂષણ નિવારણ સમિતિના દીપક ડી પટેલ, હજીરાના સામાજિક કાર્યકર ઠાકોરભાઈ વલ્લભભાઈ ખલાસી સહિતના આગેવાનોએ દરિયાઇ, દરિયાકાંઠાના વાતાવરણના રક્ષણની વિવિધ જોગવાઈઓ હેઠળ આ પ્રદૂષણ ફેલાવનાર સ્ત્રોત શોધી કાઢવા કોસ્ટ ગાર્ડ અને સંબંધિત સરકારી વિભાગો સમક્ષ માગ કરી છે તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *