ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે છેલ્લા ઘણાં સમયથી લડત ચલાવી રહ્યાં છે. જૂની પેન્શન યોજના પુનઃલાગુ કરવાની માગ સાથે તમામ સરકારી કર્મચારીઓનો એક સંયુક્ત મોરચો તૈયાર થયો છે. રાજ્યના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવતા આજે રાજ્યભરના 7 લાખ કર્મચારીઓએ લડતનો માર્ગ અપનાવ્યો છે. રાજકોટ ખાતે આજે 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે રાજ્યભરમાં કર્મચારીઓ ડો.આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઈને સરકાર વિરોધી દેખાવો અને સુત્રોચ્ચાર કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા ફિક્સ પગારદારનાં પેન્ડિંગ કેસ સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચવા 7મા પગારપંચના લાભો કેન્દ્રના ધોરણે આપવા અને કેન્દ્રના ધોરણે સળંગ નોકરી ગણવા સહિતના મુદ્દે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત રાજ્યના સંયુક્ત મોરચા દ્વારા લડતના આદેશ મુજબ રાજ્યમાં 182 વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યો મારફતે સરકારમાં પ્રશ્નો પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ માટેના આદેશ દરેક જિલ્લામાં આપવામાં આવ્યા છે.