રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
લોકડાઉન-૪ માં ગુજરાત સરકારે પાન-મસાલાની આપેલી છુટછાટના પગલે કોડીનારના જથ્થાબંધ પાન-તમાકુ-મસાલાના વેપારીઓએ આજે દુકાનો નહીં ખોલતા અનેકવિધ ચર્ચાઓ ચાલી છે જ્યારે નાના-નાના પાનના ગલ્લાઓ ખુલ્યા હતા પરંતુ તેમની પાસે પુરતો સ્ટોક ન હોવાથી તે વેપાર કરી શકયા ન હતા. કોડીનારના જથ્થાબંધ બીડી-તમાકુના વેપારીને પોતાના ધંધાના સ્થળે પુરતી સલામતી ન હોવાના દાવો સાથે દુકાનો ખોલી નહી હોવાનુ જણાવે છે ત્યારે એક જથ્થાબંધ સોપારીના વેપારીએ રૂા.૬૦૦ નો ભાવ બહાર પાડયો હતો અને હોમ ડીલીવરી ચાલુ કરી હતી. આ વેપારીએ ત્રણ દિવસ પહેલા જ એક ટ્રક ભરીને નોટ ફોર સેલનો માલ મંગાવ્યો હતો તંત્રએ પણ આ સોપારી લાવવા અંગે આંખ આડા કાન કર્યા હતા ત્યારે ૩૦૦ થી ૩૫૦ સુધીમાં વેચાતી આ સોપારીના રૂા.૬૦૦ ના ભાવ બહાર પાડી કાળાબજાર કરી રહયા છે ત્યારે તેમની સામે કાળાબજાર નિયંત્રણ ધારા હેઠળ પગલા લેવા જરૂરી બન્યા છે તેમજ બીડી-તમાકુના વેપારીની દુકાન ખુલે તો તેમની દુકાને લુંટફાટ થાય અને ઘણા સમયથી કેટલાક અસામાજીક તત્વો આ વેપારીને દુકાન ખુલે તેની રાહ જોઈ રહયા હોઈ આવા આવરા તત્વોથી પાન-તમાકુના હોલસેલ વેપારીને તંત્ર પુરતુ રક્ષણ આપે તેવી માંગણી ઉઠી છે.