ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે તા.૧૪મીએ સમસ્ત જૈન સમાજના ૨૪ માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારીના બે વર્ષ બાદ હવે તેનો કહેર હળવો થતા ગાઈડલાઈન દૂર કરાતા આ ધર્મોત્સવને અનુલક્ષીને સમસ્ત જૈન સંઘમાં અપુર્વ હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે. ભાવનગર સંઘમાં ચૈત્ર શુદ ૧૩ ને તા.૧૪.૪ ને ગુરૂવારે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસની ઉજવણી થશે. આજના અવસરે ભાવનગર સંઘના ઉપક્રમે અત્રે બીરાજમાન આચાર્ય નિર્મળચંદ્ર મ.સા.આદિ ઠાણાની નિશ્રામાં સવારે ૮.૩૦ કલાકે ભવ્યાતિભવ્ય રથયાત્રા શહેરના મોટા દેરાસર ખાતેથી નિકળશે. જે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને દાદાસાહેબ દેરાસર ખાતે ઉતરશે. આ શોભાયાત્રામાં ભાવનગર સંઘના પાઠશાળાઓના બાળકો, વિવિધ મંડળોના બહેનો અને બેન્ડ તથા પરમાત્માનો રથ વ.મળી કુલ ૭૦ આઈટમો અને સમસ્ત ભાવનગર સંઘના શ્રાવક, શ્રાવિકાઓ તથા સામુદાયિક વર્ષીતપ અને શાશ્વત ઓળીના તપસ્વીઓ સામેલ થશે. આજના પ્રસંગ નિમીત્તે ભાવનગર સંઘના દરેક પરિવારોના ઘરે ઘરે આસોપાલવના તોરણ બંધાશે, દીવડા પ્રગટાવાશે. આ ઉપરાંત શહેરના દાદાસાહેબ તથા કૃષ્ણનગર દેરાસરમાં પરમાત્માને આંગી થશે.પ્રભુ વીરના જન્મ કલ્યાણક પ્રસંગે આજે બપોરે ૨ કલાકે વિશિષ્ઠ આયોજન કરાયેલ છે. આ સાથે જૈન સોશ્યલ ગૃપ ભાવનગર મેઈન, વેસ્ટ, ઈસ્ટ અને યુથ તેમજ જૈન જાગૃતિ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા.૧૪ ને ગુરૂવારે સવારે ૭ થી ૮.૩૦ શહેરના ક્રેસંટ ખાતે આવેલ શિવશકિત હોલમાં ભકિત આરાધના કરાશે. આ સાથે અપૂર્વભાઈ કામદાર અને તેમની મંડળી સાથે પધારશે. ભકિતભાવના બાદ નવકારશી રાખેલ છે. વર્ષીતપના આરાધકો માટે બિયાસણાની વ્યવસ્થા રાખેલ છે. આ દરમિયાન પ્રભુના જન્મ કલ્યાણકને અનુલક્ષીને સંઘના યુવાનો દ્વારા શહેરમાં બુધવારે અહિંસા અને કરૂણાના પ્રચારાર્થે મહાવીર સંદેશ યાત્રા શહેરના મોટા દેરાસર ખાતેથી નિકળી હતી. આ સ્કુટર અને કાર (રેલી) યાત્રાને ભાવનગર જૈન સંઘના પ્રમુખએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. જેમાં ભાવનગર જૈન સંઘના સફેદ વસ્ત્રોમાં સજજ યુવાનો જોડાયા હતા. જય જય આદિનાથના જયઘોષ સાથે અને ડીજેના સંગાથે આ સ્કુટર રેલી વાજતે ગાજતે મોટા દેરાસરથી સકલ સંઘની ઉપસ્થિતીમાં પ્રયાણ કરેલ. આ રેલીમાં ભાવનગર સંઘના વરિષ્ઠ આગેવાનો અને હોદેદારો સહિતના જોડાયા હતા. આ રેલી વાજતે-ગાજતે ભાવનગર જૈન સંઘના ૩૦ જિનાલયે ફરીને દાદાસાહેબ પૂર્ણ થઈ હતી.
Home > Saurashtra > Bhavnagar > ભાવનગર શહેર અને જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરાશે.