ગાંધીનગર શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું આક્રમણ વધી રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થવાથી નગરજનો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. બુધવારે મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી આવી ને અટક્યું હતું. તો બીજી તરફ આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીનું આક્રમણ તીવ્ર બનતું હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થઈ રહ્યો છે. ચૈત્ર માસના પ્રારંભથી ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો હોય તે પ્રકારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ હતી. બીજી તરફ બદલાયેલા હવામાનને કારણે થોડા દિવસ અગાઉ મહત્તમ પારો ગગડી જતા નગરજનોને પણ રાહત મળી હતી. ત્યારે છેલ્લા બે દિવસથી અચાનક જ દિવસ અને રાત્રીના તાપમાનમાં વધઘટ થવાથી તેની અસર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી. મંગળવારે લઘુતમ તાપમાન ૨૦.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૪૦. ૮ ડિગ્રી આવીને અટક્યું હતું. જેમાં બુધવારે વધઘટ થવાથી નગરજનો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. સવારમાં ઘટાડો નોંધાતા લઘુતમ તાપમાન ૨૦. ૨ ડિગ્રી આવીને પહોંચ્યું છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં થોડો વધારો થવાથી સાંજે ૪૧.૪ ડિગ્રી પહોંચી જતા પાટનગર વાસીઓ ગરમીમાં આકુળ વ્યાકુળ થઈ ગયા છે. આગામી દિવસોમાં તાપમાનના પારામાં વધારો થશે અને ગરમી આક્રમક બનશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે પશુ-પક્ષીઓની હાલત કફોડી બની રહી છે. છેલ્લા બે દિવસથી તાપમાનના પારામાં સતત થઈ રહેલા વધારાના પગલે વીજ માગમાં પણ વધારો નોંધાયો છે તો નગરજનો પણ ગરમીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં જ રહેવાનું મુનાસિબ માની રહ્યા છે.