અમરેલી પંથકમા આજે તાપમાનનો પારો 42.4 ડિગ્રી સુધી આંબી જતા કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. અહી પાછલા કેટલાક સમયથી તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહે છે. જેના કારણે આકરો તાપ પડી રહ્યો છે. બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરાઇ હતી. તેની વચ્ચે આજે અમરેલીમા તાપમાનનો પારો ઉંચકાઇને 42.4 ડિગ્રી સુધી આંબી ગયો હતો. જેના કારણે બળબળતો તાપ પડયો હતો. બપોરના સુમારે જાણે કુદરતી કર્ફયુ લાદયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બપોરે માર્ગો સુમસામ ભાસતા નજરે પડી રહ્યાં છે. આજે શહેરનુ મહતમ તાપમાન 42.4 ડિગ્રી અને ન્યુનતમ તાપમાન 21.8 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 82 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 8.3 કિમીની રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી ઉપરાંત ધારી પંથકમા પણ તાપમાનનો પારો સતત 40 ડિગ્રીને પાર રહેતો હોય અહી આકરી ગરમીથી લોકો અકળાઇ ઉઠયાં છે.
