રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો વાયરસ ન ફેલાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશને મળેલ સત્તાની રુએ તકેદારીના ભાગરુપે જરુરી પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં ચાર કે તેનાથી વધારે વ્યક્તિઓએ એકઠા થવું નહિ, જિલ્લામાં આવેલ ઓડીટોરીમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, ગેમઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, વોટરપાર્ક, ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, સિનેમા, નાટ્યગુહો, જીમ, સ્પોટર્સ કોમ્પ્લેક્ષ, કલબ હાઉસ, ગાર્ડન, બાગ-બગીચા, શોપીંગ મોલ, સ્થાનિક માર્કેટ/રવિવારી બજાર, ચોપાટી તેમજ પ્રવાસન સ્થળોએ ભીડ થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, હોટલ, રેસ્ટોરન્ટ બંધ રાખવી, પરંતુ રેસ્ટોરેન્ટ પાર્સલ સુવિધા ઉપલબ્ધ કરી શકાશે. શહેરી વિસ્તાર બહાર આવેલ ધાબા ખોલી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. ઓન લાઈન શિક્ષણ પ્રવૃતિ હાથ ધરી શકાશે. શહેરી વિસ્તારમાં આવેલ માર્કેટ/શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલ તમામ દુકાનોને ઓડઈવન પધ્ધતિથી ખોલવાની રહેશે. જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલ હોય કે ભવિષ્યમા જાહેર થાય તેમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવા માટેનો સમય સવારે ૮ થી બપોરે ૩ કલાક રહેશે. આવશ્યક ચીજ વસ્તુ માટેનો સમય સવારે ૭ થી સાંજે ૭ કલાક, બિન આવશ્યક ચીજ વસ્તુ માટેનો સમય સવારે ૮ થી બપોરે ૪ કલાક રહેશે. ખાનગી ઓફિસોમાં ૩૩ ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે. સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ચાલુ રાખી શકાશે. ટુ વ્હીલરમાં એક અને ફોર વ્હીલ/ઓટોરીક્ષા/ટેક્સીમાં ડ્રાઈવર સહિત ૩ વ્યક્તિઓ જઈ શકશે. મેળાવડા, લોકમેળા, સામાજીક, રમતગમત, ધાર્મિક તથા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈપણ પ્રસંગોનું આયોજન કરવું નહિ. ધાર્મિક સ્થળોએ પુજારી સેવા-પુજા કરી શકશે. પાન-માવાની દુકાનો ચાલુ રાખી શકાશે. પરંતુ સામાજીક અંતર રાખવું પડશે. જિલ્લામાં તમામ પ્રકારના બાંધકામની પ્રવૃતિ, તમામ પ્રકારના ધંધા સાથે સંકળાયેલ તમામ પ્રકારની પ્રવૃતિ કરી શકાશે. કોઈપણ વ્યકિત/સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશ્યિલ મીડિયા દ્રારા ફેલાવાશે તો તે ગુન્હો ગણાશે. અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં સાંજના ૭ થી સવારે ૭ કલાક વાગ્યા સુધી કોઈએે મંજુરી વગર અવર-જવર કરવાની રહેશે નહિ. દરેક એકમોના માલિકો/દુકાનદારો/ધંધાર્થીઓએ ૬ ફુટ સામાજીક અંતર જાળવવુ, હેન્ડ વોશ, સેનીટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરવાની રહેશે.આ આદેશ ફરજ ઉપર રહેલ સરકારી કર્મચારી, રોજગારીમાં હોય તેમજ સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહિ. ફરજ પરના સરકારી કર્મચારીઓ-અધિકારીશ્રીઓએ એક બીજાથી ૧ મીટરનું અંતર રાખવુ. આ હુકલ તાત્કાલીક અસરથી તા. ૩૧ મે સુધી લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે