ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીક્લ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CSMCRI)માં ગત રવિવાર અને 10 એપ્રિલના રોજ સંસ્થાના 69મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના સભાગૃહમાં તથા ઓનલાઇન પ્લેટફોર્મ થકી સફળ સંચાલન કરવામા આવ્યું હતું. સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. બિશ્વજીત ગાંગુલીએ ઉપસ્થિત રહેલ મહેમાનો તથા શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કર્યું હતું તથા સંસ્થાની સંશોધન સિદ્ધિઓ, અવોર્ડ્સ, રિસર્ચ પબ્લિકેશન, પેટન્ટ્સ વગેરેની માહિતીથી અવગત કરાવ્યા હતા. આ અવસર પર ઉપસ્થિત રહેલા વિશિષ્ટ અતિથિ તરીકે ડો. ટી. રાજમન્નાર, કાર્યપાલક અધ્યક્ષ અને હેડ, આરએન્ડડી, સનફાર્મા એડવાન્સ રિસર્ચ કંપની લિમિટેડ દ્વારા “નવીનતાઓ અને આપણા સમાજ પર તેમની અસર” પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે ભારતમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, નોવેલ કેમેસ્ટ્રી તથા મેડિસિનલ સાયન્સમાં પ્રગતિ માટે બહોળી તકો રહેલી છે. હાલમાં ભારતમાં દવાઓનો ઉદ્યોગ 41 બિલિયન જેટલો છે, જેમાથી 21 બિલિયન નિકાસ દ્વારા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકિનારા ઉપર બહોળા પ્રમાણમાં શેવાળ અને તેમાથી બનતી દવાઓ અને બાયોફર્ટિલાયજર અને પોષણને લગતી પેદાશો ઉત્પન્ન કરવા માટેની તકો રહેલી છે જેમાં તેમણે વૈજ્ઞાનિકોને સંશોધન કરવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ અવસર પર મુખ્ય અતિથી તરીકે પદ્મશ્રી પ્રો.એમ.એચ. મેહતા, અધ્યક્ષ, ગુજરાત લાઈફ સાયન્સ તથા પૂર્વ કુલપતિ, ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ હાજરી આપી હતી. પ્રો. એમ.એચ. મેહતાએ “આવનારા વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટેની દૂરદર્શિતા” પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે નવો યુગ સ્થાયી કૃષિવિષયક વિજ્ઞાન અને સજીવ ખેતીનો છે અને તેમાં ક્રાંતિની જરૂર છે અને તેમણે બાયો કૃષિવિષયક વિજ્ઞાનનો ઉપયોગ કરીને જીવ હત્યાને નાબૂદ કરવા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા પર ભાર આપ્યો હતો. તેમણે આગામી 30 વર્ષમાં દરિયાઈ શેવાળ અને લીલની ખેતી કરીને ગુડ ફૂડ ઈન્સ્ટિટ્યૂટ ઊભી કરવા માટેનું પ્રેરણા આપી હતી. સંસ્થાના ડાયરેક્ટર ડો. ક્ન્નન શ્રીનીવાસને જણાવ્યું હતું કે સંસ્થાના સ્થાપના દિવસનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કેટલા સંશોધન અવગત કરવવાનો છે. આ ઉપરાંત સંસ્થાના નિદેશકે સંસ્થાની ટેક્નોલોજીકલ સિદ્ધિઓ જેવી કે સોડિયમ સલ્ફેટ, મીઠાનું ઉત્પાદન વધારવા માટેની ટેક્નોલૉજી, શેવાળમાથી બનાવેલું લીક્વિડ સ્ટીમૂલન્ટ જે એગ્રીકલ્ચરલ ફિલ્ડમાં ઉપયોગી થશે. શેવાળમાંથી બનેલ એનિમલ ફીડ ટેક્નોલૉજી, ડિસ્ટલરી સ્પેંટ વોશમાથી પોટાશની રિકવરી જેવી સિદ્ધિઓ વર્ણવી હતી.
આ ઉપરાંત તેમણે સંસ્થાના 3 મોટા આવનાર પ્રોજેક્ટ્સ જેવા કે મિશન સીવીડ, મોડલ સોલ્ટ વર્કસ તથા 1 MLD ડિસલાઈનેશન પ્લાન્ટ વિષે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકો તથા રીસર્ચ સ્કૉલર દ્વારા કરવામાં આવે તે માનવતાના ઉદ્ધાર અને સમાજના કલ્યાણ અને ઉદ્યોગની પ્રગતિ માટે હોય તે મહત્વનું છે. સંસ્થાના નિદેશકે વૈજ્ઞાનિકો તથા રિસર્ચ સ્કોલરને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને સંસ્થાના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકો ડો. બિશ્વજીત ગાંગુલી, ડો. વી.કે.શાહી તથા પ્રધાન વૈજ્ઞાનિક ડો. અંકુર ગોયલ તથા તેમની ટીમના સફળ સંચાલન હેઠળ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના COA સુભાષ ચંદરે આભારવિધિ કરીને સર્વેને 69મા સ્થાપના દિવસના અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના વૈજ્ઞાનિક ડો. પારૂલ સાહુએ કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક પૂરું પાડ્યું હતું. ડો. પ્રતાપ બાપટ તથા ભુપેન્દ્ર મરકમ, વૈજ્ઞાનિકોના અવિરત પ્રયાસો થકી આ કાર્યક્રમ સફળ બન્યો હતો.