બોલિવુડના જાણીતા અભિનેતા તથા સ્ક્રિપ્ટ રાઇટર શિવ સુબ્રમણ્યમનુ નિધન થતાં બોલિવુડમાં શોકની લહેર છવાઈ છે. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘પરિન્દા’ અને ‘૧૯૪૨- એ લવ સ્ટોરી’ ઉપરાંત સુધીર મિશ્રાની હઝારો ખ્વાહિશે ઐસી, ચમેલી તેમજ અર્જુન પંડિત, ઇસ રાત કી સુબહ નહીં અને તીન પત્તી જેવી ફિલ્મોના લેખક તરીકે તેઓ જાણીતા હતા. ‘પરિન્દા માટે તેમને બેસ્ટ સ્ક્રિપ્ટ રાઇટરનો એવોર્ડ પણ મળ્યો હતો. હજુ બે મહિના પહેલાં જ તેમના ૧૬ વર્ષીય પુત્ર જહાનન બ્રેઇન ટયૂમરના લીધે અવસાન થયું હતું. ‘પરિન્દા’માં જ તેમણે ફ્રાન્સિસની નાનકડી ભૂમિકા ભજવી હતી. ‘૧૯૪૨ એ લવ સ્ટોરી’, ‘ટૂ સ્ટેટ્સ”હિચકી’, શાહિદ કપૂરની ‘કમીને’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતા અનિલ કપૂરે પોતાની યાદગાર ફિલ્મોના લેખક તથા કલાકાર શિવને અંજલિ આપતાં કહ્યું હતું કે તેઓ અજોડ અભિનેતા હતા જેમને સદા યાદ રાખવામાં આવશે. ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે અંજલિ આપતાં કહ્યું હતું કે મારી બોલિવુડમાં લેખક તરીકેની કારકિર્દી શરુ કરવામાં શિવ નિમિત્ત બન્યા હતા. શિવે જ તેમને ‘ઓટો નારાયણ’ ફિલ્મની કથા માટે ક્રેડિટ અપાવી હતી. ફિલ્મ સર્જક સુધીર મિશ્રએ પોતાની ફિલ્મોના સહ લેખકને અંજલિ આપતાં કહ્યું હતું કે ૧૯૮૪ના અરસામાં ‘મોહન જોશી હાજિર હો’ બની રહી હતી ત્યારે પહેલી વાર નસીરુદ્દિન શાહે તેમની મુલાકાત શિવ સાથે કરાવી હતી. અભિનેતા મનોજ વાજપેયી, રણવીર શૌરી તથા સિંગર રેખા ભારદ્વાજે પણ શિવને અંજલિ આપી હતી.