ઉનાળો આકરો બનતા સંખેડા ગામને પાણી પૂરું પાડતી ચાર જેટલી ટાંકીઓ છે.તે ચાર ટાંકીઓના પાણીના સ્તર નીચા ગયા છે. પહેલા ટાંકી ભરાતા જેટલો સમય લાગતો હતો એના કરતાં 30 મિનિટથી સવા કલાક જેટલો સમય વધ્યો છે.સંખેડા ગામનું વોટરવર્ક્સ ઓરસંગ નદીના પાણી ઉપર આધારિત છે. ઓરસંગ નદીમાં પાણીના સ્તર નીચા જતાની સાથે જ ટાંકી ભરાતા લાગતો સમય પણ વધી રહ્યો છે. બીજા સ્ત્રોતમાં બોર છે. પણ બોરમાંય પાણીના સ્તર નીચા ગયા છે. બીજી બાજુ ઉનાળો શરૂ થયો હોય પાણીની માગમાં પણ વધારો થયો છે. જેથી પાણીની ટાંકી ભરાતા પહેલાં જેટલો સમય લાગતો હતો એના કરતાં ઘણો વધારે સમય હવે લાગી રહ્યો છે.સંખેડા ગામમાં કુલ 4 પાણીની ટાંકીઓ આવેલી છે. જેમાં એક ડેપોની પાછળ છે. બીજી અંજીરિયા કુવા પાસે છે. ત્રીજી કસ્બા વિસ્તારમાં છે. અને ચોથી નવીનગરી નજીક આવેલ છે. સંખેડા ગામમાં દરેક ટાંકી ચાર-ચાર વખત ભરવામાં આવતી હોવાનું ગ્રામ પંચાયત સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સંખેડામાં હજી ગંભીર કહી શકાય એવી સમસ્યા સર્જાઈ નથી. ભૂતકાળમાં સંખેડામાં ઉનાળામાં એક દિવસ બે ટાઈમ અને એક દિવસ એક ટાઈમ એવી રીતે અંતરે દિવસે પાણી અપાતું હતું.
