ગુજરાતમાં રાજસ્થાનના રણ પરથી બળબળતા ઉત્તરીય પવનોને બદલે બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાત માં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ફૂંકાવાનું શરૂ થવા સાથે 44 સે.તાપમાને બળબળતી લૂ વર્ષાનો અનુભવ કરનાર લોકોને આજે અગનવર્ષામાં આંશિક રાહત અનુભવાઈ હતી. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં આજે દરિયો તોફાની બન્યો હતો અને માછીમારોને તા. 15 સુધી તે દરિયો નહીં ખેડવા સૂચના જારી કરાઈ છે તો બીજી તરફ આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયન વિસ્તારમાં ત્રાટકવાનું હોય તેની અસર રૂપે ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં ઘટાડો થવાની અને સાથે અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, મેઘાલય વગેરે રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. હવામાનમાં આવેલા આ ફેરફારની અસર તળે ગુજરાતમાં આજે એકંદરે નૈઋત્ય અને આથમણાં (પશ્ચિમ) તરફથી પવનો ફૂંકાવાનું શરૂ થયું હતું જે દરિયાઈ પરથી આવતા પવનોની અસર રૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાંખા વાદળો ઘેરાયા હતા અને તાપમાનમાં રાહત અનુભવાઈ હતી. આજે મહત્તમ તાપમાન રાજ્યમાં સૌથી વધુ રાજકોટ 41.6, સુરેન્દ્રનગર 41.3, અમરેલી 41, અમદાવાદ 40.7, જુનાગઢ અને કંડલા 40.2,વડોદરા 40.1 એમ કૂલ 7 સ્થળે 40 સે.થી વધુ તાપમાન નોંધાયું હતું જ્યારે બાકીના 19 સેન્ટરો પર 40 સે.થી નીચે તાપમાન સાથે ગરમીમાં ઘટાડો થયો છે. આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી નથી.