ઉનાળાની સીઝનમાં કેશોદ પંથકના અનેક ગામડાઓમાં પાણીની અછત ઉભી થઈ છે અને લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર સુધી જવુ પડી રહ્યું છે. આ ઉપરાંત પશુઓ માટે પણ પાણીની ખાસ વ્યવસ્થા કરવી પડી રહી છે. કેશોદ તાલુકાના રંગપુર ગામની વાત કરીએ તો આ ગામમાં આશરે 3500 થી 4000ની વસ્તી છે. ચોમાસા અને શિયાળાની સિઝનમાં પાણીની તકલીફ પડતી નથી. જો કે, ઉનાળો શરૂ થતા જ પાણીની તીવ્ર અછત જોવા મળે છે. સરપંચ રાજેશભાઈ મનસુખભાઈ ઘોડાસરાએ કહ્યું હતું કે, જુથ યોજના હેઠળ સંપમાં પાણી નાંખવામાં આવે છે અને જે પણ ચાર દિવસે મળે છે. અને ગામમાં 12 દિવસે માત્ર એક કલાક જ પાણી વિતરણ કરવામાં આવે છે. ચાર જેટલા બોર કરાવવામાં આવ્યા છે. પરંતુ પાણી આવ્યું નથી. તેમજ જે જગ્યાએથી પાણી સંપ સુધી પહોંચે છે તે પુરતા ફોર્સથી મળતુ નથી. કારણ કે લાઈન જુની છે. આ પ્રશ્નને લઈ રજૂઆત પણ કરી છે. એકલેરાના સરપંચ પતિ વિક્રમભાઈ સીસોદીયાએ કહ્યું કે, બોરમાં આઠ થી દસ દિવસમાં પાણી ડુકી જશે. અહીંયા પણ કોઈ એવુ તળાવ નથી કે, પાણીની વ્યવસ્થા થઈ શકે. બાદમાં નર્મદાના પાણી પર નિર્ભર રહેવુ પડશે. હાલ 3 દિવસે પાણી મળી રહ્યું છે. કાલવાણી ગામના સરપંચ અમુભાઈ ધારાભાઈ ધાનાએ કહ્યું હતું કે, અમારા ગામમાં પાણી પહોંચાડતી લાઈન 35 વર્ષ જુની છે. જેથી પુરતુ પાણી મળતુ નથી. હાલ નવી લાઈન નંખાઈ ગઈ છે. જેમાં કનેકશન આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. ધ્રાબાવડ ગામના સરપંચ દિપકભાઈ બકોત્રાએ કહ્યું હતું કે, આ હાલ ગામમાં એકાતરા પાણી વિતરણ થઈ રહ્યું છે. અમારા ગામમાં એક પણ એવુ તળાવ નથી કે, પાણી સંગ્રહ થઈ શકે. સરકાર દ્વારા આ પ્રશ્નને લઈ યોગ્ય કરવામાં આવે એ જરૂરી છે. આ ઉપરાંત સાબલી ડેમ નજીક કુવાઓનું નિર્માણ કરી ધ્રાબાવડ સહિત ચાર ગામને પાણી આપવામાં આવે એવી માંગ કરી હતી.
Home > Saurashtra > Junagadh > 3500ની વસ્તીને 12 દિવસે માત્ર 1 કલાક જ મળે છે પાણી, ઉનાળો શરૂ થતા જ પાણીની તીવ્ર અછત.