સતત બે વર્ષ ભરપૂર મેઘવર્ષા છતાં સૌરાષ્ટ્રમાં શાકભાજી મોંઘાદાટ થઈ ઉંચા ભાવના રેકોર્ડ સર્જાતા હવે ઘર આંગણે શાકભાજી વાવવાની ઝૂંબેશ શરૂ થઈ રહી છે. એક સંસ્થા દ્વારા 400 ગામોમાં એક લાખ બિયારણના નાના પેકેટનું ટોકન દરથી વિતરણ કરવા નિર્ણય લેવાયો છે તો રાજકોટ જેવા મહાનગરોમાં અગાશીની ખાલી જગ્યામાં શાકભાજી ઉછેરવાના પ્રયોગો પણ આગળ વધી રહ્યા છે. લીંબુની આવક ગત વર્ષ કરતા 10-15 ટકા જ ઘટી છે પરંતુ, માંગ વધી જતા આજે માર્કેટ યાર્ડમાં તેના ભાવ પ્રતિ મણના રૂ।. 3000- 4000એ પહોચ્યા હતા જે કૃષિ જણસીમાં જીરૂ પછી સર્વાધિક છે. રૂ।. 10માં બી.એસ.એન.એલ.નો મોબાઈલ રિચાર્જ થઈ શકે પરંતુ, રાજકોટમાં એક લીંબુની કિંમત રૂ।.૧૫ લેવાય છે. કિલોના ભાવ રૂ।. 300થી 400એટલે કે ફરસાણ કરતા પણ વધારે છે. તો બીજી તરફ, રોજિંદા શાકભાજીમાં ખવાતા લીલા મરચાંના ભાવ આજે પણ મગફળી જેટલા રૂ।.1000-1300રહ્યા હતા. જ્યારે ભીંડો 950-1100, લીલા વટાણા રૂ।.1100-1200, (સુકા વટાણા જેટલા!), ગુવાર તો નવી ઉંચાઈએ પહોંચીને રૂ।.1400- 1650 સુધી પોહંચ્યો હતો. આ અન્વયે હવે લોકો નાના શહેરોમાં અને ગામડાઓમાં જ્યાં ફળિયા વધુ માત્રામાં ઉપલબ્ધ હોય છે ત્યાં શાકભાજી વાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. પૂર્વ વન અધિકારી વી.ડી.બાલાએ આ માટે માર્ગદર્શન આપતા જણાવ્યું (1) જંતુનાશક દવા છાંટેલા શાકભાજીથી કેન્સર સહિતના રોગો થઈ શકે છે તેથી દવા છાંટયા વગરના કુદરતી શાકભાજી જ આરોગ્યપ્રદ છે.સારા શાકભાજી રોજ 285 ગ્રામ ખાવા જોઈએ પણ ભારતમાં સરેરાશ 40 ગ્રામ જ ખવાય છે. (2) કોઈ પણ બીજની જાડાઈ જેટલી મોટી તે સારી રીતે ઉગી શકે (3) શાકભાજી વાવ્યા પછી 50થી 60 દિવસે પાક તૈયાર થાય છે અને ઘરે મનપસંદ શાકભાજી મળી શકે છે (4) એક ફળિયામાં વર્ષે રૂ।.15,000ના શાકભાજી ઉગી શકે છે. રાજકોટમાં કેટલાક ડુપ્લેક્સ મકાનોમાં હવે ટેરેસ ગાર્ડનમાં સુશોભનના ફૂલછોડને બદલે શાકભાજી વાવવાનું પણ શરૂ થઈ રહ્યું છે. ફળિયામાં મરચી, ભીડા,હાલ મોંઘાદાટ ગુવાર, તુરિયા, ગલકાં,મેથી સહિત અનેક શાકભાજી ઉગી શકે છે . લીંબુ એ બાગાયતી પાક છે અને તે ચોમાસામાં વાવણી થતી હોય છે. લીંબુના ભાવ આસમાને પહોંચતા આ વખતે તેનું વાવેતર વધવાની શક્યતા છે.