રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કેટલાયે તહેવારો માં ઉજવણી શક્ય ન હતી બની. પરંતુ કોરોનાની ત્રીજી લહેર પણ અસરદાર ન થતા સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી હતી. આથી રવિવારના રોજ રામનવમી હોવાથી શહેરામાં રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. જે અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા રવિવારના રોજ બપોરના ચાર કલાકે રામજી મંદિરેથી મર્યાદા પુરુષોત્તમ રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા નગરના મુખ્ય બજારથી થઈ ઘાંચીવાડ વિસ્તારમાંથી થઈ સિંધી બજાર સિંધી ચોકડી બસ મથક વિસ્તાર થઈ પરત રામજી મંદિર ફરી હતી નોંધનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી વિશ્વ હિન્દુ પરિષદના લંબર મુછીયા યુવાનો દ્વારા સમગ્ર નગરના હિન્દૂ વિસ્તારમાં કેસરી ધજાઓ લગાવવવામાં આવી હતી તદુપરાંત સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શોભાયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાય માટે બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.શોભાયાત્રામાં નગરના વરિષ્ઠ અને અગ્રગણી લોકો પણ જોડાયા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નિર્વિઘ્ને પૂર્ણ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.