ઉનાળા ની શરૂઆત થતાં ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તેવી કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. પરંતુ કેરીનો ભાવ સાંભળતાની સાથે જ તમે હાલ ખરીદવાનું માંડી વાળશો એ ચોક્કસ છે. આ જ કારણ છે કે હાલ અમુક લોકો જ બજારમાંથી કેરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ટાઉતે વાવાઝોડા ના કારણે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન થયું હતું. જેમાં નાળિયેરી તેમજ આંબાના ઝાડને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.ઘણી જગ્યાએ નાળિયેરી અને આંબાના ઝાડ જમીનદોસ્ત થઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા સહાયતા પણ આપવામાં આવી હતી. વાવાઝોડાની અસર આ વર્ષે કેરીના ઉત્પાદન પર જોવા મળશે તેવું ખેતીવાડી અધિકારીઓનું માનવું છે. સામાન્ય વર્ષ કરતા આ વર્ષે કેરીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થશે. તેમજ દર વર્ષે એપ્રિલ માસમાં કેરી આવી જતી હતી પરંતુ આ વર્ષે વિક્રેતાઓની માન્યતા અનુસાર મે મહિનામાં આવશે.હાલ રાજકોટ શહેરમાં મહારાષ્ટ્રની કેરીની મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં હાલ મહારાષ્ટ્રની રત્નાગિરિ હાફૂસ તેમજ મિનિસ્ટર કેરીની આવક થવા પામી રહી છે. પરંતુ કેરીના ભાવ સાંભળતાની સાથે જ મોઢામાં રહેલી મીઠાશ ગાયબ થઈ જાય તે પરિસ્થિતિનું હાલ નિર્માણ થવા પામ્યું છે.રાજકોટ શહેરમાં રત્નાગિરિ હાફૂસની પેટીનો ભાવ હાલ 3,500થી લઇને 6000 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે. જ્યારે મિનિસ્ટર કેરીની પેટીનો ભાવ 6500થી લઇને 8000 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે. આ પ્રકારના ભાવ હાલ બજારમાં પ્રવર્તી રહ્યા હોવાના કારણે ગણ્યાંગાંઠ્યા લોકો જ કેરી ખરીદી રહ્યા છે. ફળોના રાજા એવા કેરીની મજા માણવા માટે ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકોએ હજુ એકાદથી દોઢ મહિનો રાહ જોવી પડશે. કારણ કે ગીરની કેસર કેરીની શરૂઆત થયા બાદ મહારાષ્ટ્રની રત્નાગિરિ કેરીનો ભાવ પણ આપોઆપ નીચો આવી જતો હોય છે. હાલ જે પેટી રૂપિયા 3,500થી લઇને 6000 રૂપિયા સુધી વેચાઇ રહી છે તેનો આગામી સમયમાં મહત્તમ ભાવ રૂપિયા 2,000ની આસપાસ જોવા મળશે.