અમરેલી ક્લેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં આયોજન હેઠળના કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા પ્રભારીમંત્રીએ અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આયોજન મંડળ હેઠળ વર્ષ 2022-23માં અંદાજીત 12.50 કરોડના ખર્ચે 568 જેટલા વિકાસ કાર્યો મંજુર કરવામાં આવ્યા હતા. પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવીને રોડ-રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને વિજળી જેવી આંતર માળખાકિય સુવિધાઓ મળે તે રાજ્યના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બાબત છે. તેમણે પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાન એસ્ટીમેટ ટુંકસમયમાં રજૂ કરી આ મંજૂર કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ મંજુર થયેલ કામો સત્વરે હાથ ધરી સમયમર્યાદામાં તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા આયોજન અધિકારી અમીને અમરેલી જિલ્લામાં આયોજન મંડળ હેઠળ વર્ષ 2022-23માં હાથ ધરાનાર કામોની વિસ્તૃત વિગતો આપી હતી.આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા, ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુંમ્મર, પ્રતાપભાઈ દુધાત, જે. વી. કાકડિયા, નાયબ વન સંરક્ષક પ્રિયંકા ગેહલોત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિશાલ સક્સેના વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
Home > Saurashtra > Amreli > અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 12.50 કરોડના 568 વિકાસ કાર્યાે મંજુર થયા.