ભાવનગરના 63 કેન્દ્રો પર LRD ભરતી માટે 19000 ઉમેદવારો પરીક્ષા આપશે.

Bhavnagar Latest

શારિરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો માટે લોકરક્ષક દળમાં ભરતી માટે લેખિત કસોટી આગામી ૧૦-૪ને રવિવારે ભાવનગરના કુલ ૬૩ બિલ્ડીંગમાં ૧૯૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે જે માટે શિક્ષણ તેમજ પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓને ઓપ અપાયો છે. મળતી વિગતો મુજબ લોકરક્ષક દળમાં ભરતી માટે પ્રથમ શારીરિક કસોટી લેવાયા બાદ તેમાં ક્વોલીફાઇડ થયેલ ઉમેદવારોની લેખિત કસોટી આગામી તા.૧૦-૪ને રવિવારે યોજાનાર છે જેનો સ્ટ્રોગ રૂમ માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે રાખેલ છે. પરીક્ષાના અધ્યક્ષ એસ.પી. રહેશે. ૧૦૦ માર્કસનું ઓએમઆર પદ્ધતિથી લેવાનાર પેપર ૧૨ કલાકે શરૂ થશે અને ૨ કલાકે પૂર્ણ થશે તો ઉમેદવારને કેન્દ્રમાં ૧૧.૪૦ કલાક સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પરીક્ષામાં .૨૫ માઇનસ પદ્ધતિ અમલી રહેશે. એલઆરડીની પરીક્ષામાં કુલ મળી ૧૯૦૦૦ ઉમેદવારો ભાવનગરના ૬૩ પરીક્ષા કેન્દ્રોના ૬૩૪ બ્લોકમાં પરીક્ષા આપશે તો આ પરીક્ષામાં તકેદારીરૂપે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની હાજરીમાં જ ખંડ નિરીક્ષક ઉત્તરવહી (ઓએમઆર શીટ)ને એકત્ર કરી કવરમાં સીલ કરશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની દેખરેખ રહેશે. આમ એલઆરડીની ભરતી પરીક્ષામાં કોઇ ગેરરીતિ કે અનિચ્છનિય બનાવ ન બને તે માટે જીણવટભરી કાળજી લેવાઇ હોવાનું જણાયું છે. દરેક ઉમેદવારની બાયોમેટ્રીક પદ્ધતિથી ઓળખ થશે. આગામી એલઆરડીની લેખિત પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પૂર્વે પરીક્ષાર્થીનું બાયોમેટ્રીક પદ્ધતિથી સ્કેનીંગ કરવામાં આવશે જેથી ખોટો ઉમેદવાર ઘુસી ન જાય તેની પુરતી કાળજી રખાશે અને જો નિયત સમય છેલ્લી ઘડીએ આવે તો પરીક્ષા બાદ પણ બાયોમેટ્રીક ફરજીયાત રહેશે અન્યથા બાયોમેટ્રીક વેરીફીકેશન વગરની પરીક્ષા લાયક નહીં ગણાય તેવું આયોજન કરાયું છે. તો પરીક્ષા કેન્દ્રો પર પી.આઇ. અને પીએસઆઇ કેડરનાની તકેદારી અધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે જે સતત મોનીટરીંગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *