રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાંચ વરસ સુધી એકબીજાને ડેટ કર્યા પછી પ્રભુતામાં પગલાં પાડવાના છે. જોકે તેમના પરિવારે લગ્ન વિશે કોઇ સમર્થન આપ્યું નથી. હવે તેમના લગ્નને લઇને એક નવા અપડેટ આવ્યા છે. તેમના લગ્નનું રિસેપ્શન ૧૯ એપ્રિલના રોજ રાખવામાં આવ્યું હોવાની વાત છે. સૂત્રની વાત સાચી માનીએ તો, મુંબઇની ગ્રેન્ડ હયાત હોટલમાં ૧૯ એપ્રિલના રોજ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. જેમાં બોલીવૂડની અનેક હસ્તીઓ હાજરી પુરાવે તેવી શક્યતા છે. કહેવાય છે કે, આલિયા રિસેપ્શનમાં પોતાના ખાસ મિત્ર મનિષ મલ્હોત્રાએ તૈયાર કરેલ પરિધાનમાં જોવા મળવાની છે. તેમના લગ્ન વિશે મળેલા એક રિપોર્ટને સાચો માનીએ તો, લગ્નની વિધિઓ ૧૩-૧૭ એપ્રિલ સુધી કરવામાં આવશે. જ્યારે અન્ય એક સૂત્રના અનુસાર, મહેશ ભટ્ટે પોતાના વ્યસ્ત શેડયુલમાંથી ૧૪ થી ૧૬ તારીખ સુધી રજા લીધી છે. વિક્કી કૌશલના પિતા શામ કૌશલે પણ દીકરાના લગ્ન સમયે આમ જ કર્યું હતું. તેઓ શ્યામ બેનેગેલની ફિલ્મમાં એકશન કોરિયોગ્રાફર હતા,પરંતુ લગ્ન હોવાથી ફિલ્મને તારીખ આપી શક્યા નહોતા. મહેશ ભટ્ટે પણ શૂટિંગ માટે પહેલાથી ફાળવી દીધેલી તારીખો પર હવે રજા લીધી છે. આથી જ માનવામાં આવે છે કે, આ યુગલ ૧૫ એપ્રિલના લગ્ન કરે તેવી અટકળ થઇ રહી છે. ચેમ્બુરના આરકે સ્ટુડિયોમાં તો લગ્ન કરવાના છે. જ્યાં તેમના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.