દૂધ પછી હવે અમૂલ દ્વારા બટરમાં ભાવ વધારો જાહેર કરાયો.

Anand Latest

કારમી મોંઘવારી વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગ પરેશાન છે ત્યારે અમૂલ દુધના ભાવમાં તાજેતરમાં વધારો નોંધાયા બાદ હવે અમૂલ બટરના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલ દ્વારા બટરના તમામ પેકટેના ભાવમાં વધારો કર્યો છે અને તે મુજબ ૧૦૦ ગ્રામનું બટરનું પેકેટ હવે બાવન રૂા.માં મળશે. થોડા સમય પૂર્વે જ અમૂલ દ્વારા ફ્રેશ દુધના ભાવમાં પ્રતિ લીટરે રૂા. ૨નો વધારો કર્યો હતો. ત્યારે અમૂલ દુધના ભાવમાં ફરી ભાવવધારો આવવાની આશંકા વચ્ચે ગત રોજ અમૂલના બટરના ભાવમાં કિલોએ રૂા. ૨૦નો વધારો ઝીંકાયો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ  બ્રાન્ડ હેઠળ દુધ અને દુધની બનાવટોનું વેચાણ કરે છે. ગત તા. ૧લી માર્ચના રોજથી દુધના ભાવમાં આ વધારો મૂકાયો હતો. દુધના ભાવમાં વધારાની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડિઝલના ભાવો પણ વધવા પામ્યા છે તો બીજી તરફ રાંધણ ગેસ તથા સીંગતેલના ભાવમાં પણ ભડકો થતા ગરીબ-મધ્યમવર્ગની હાલત કફોડી બની છે અને પેટ્રોલ-ડિઝલની સાથે સાથે રાંધણ ગેસના ભાવમાં વધારો થતા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થવા પામી છે. જેને લઈ ગૃહિણીઓના રસોડાના બજેટ ખોરવાયા છે. અમૂલ દ્વારા ફ્રેશ દુધ બાદ બટર મિલ્કના ભાવમાં પણ વધારો કરાયો હતો. ઉનાળાની સીઝનમાં બટર મીલ્કની માંગ વધુ રહેતી હોય છે ત્યારે ભાવવધારાના કારણે લોકો ઉપર આર્થિક બોજ પડે છે. હવે અમૂલ દ્વારા બટરના ભાવમાં પણ વધારો કરાયો છે અને ૧૦૦ ગ્રામ બટરનું પેકેટ અગાઉ ૫૦ રૂા. મળતું હતું તે હવે બાવન રૂપિયામાં મળશે જ્યારે ૫૦૦ ગ્રામના પેકેટના ભાવમાં પણ ૧૦ રૂા.નો વધારો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *