જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે શહેરમાં ધરણાં, રેલી કરી આવેદન અપાયું હતું જેમાં 700થી વધુ કર્મીઓ, શિક્ષકો જોડાયા હતા. આ અંગે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ઉપાધ્યક્ષ જીતુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ, ભારતીય મઝદૂર સંઘ,રાષ્ટ્રિય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે 700થી વધુ શિક્ષકો, કર્મચારીઓ સરદાર બાગ ખાતે એકઠા થયા હતા અને જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ સાથે ધરણાં કર્યા હતા. બાદમાં સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી જિલ્લા વહિવટી તંત્રને આવેદન અપાયું હતું. હાલ કાળઝાળ મોંઘવારી ફાટી નિકળી છે ત્યારે નિવૃત્ત થનારને પેન્શન ન મળે તો તેની હાલત કફોડી થઇ જતી હોય છે. ત્યારે મુખ્યમંત્રીને સંબોધીને અપાયેલા આવેદનમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા લાગણી અને માંગણી રજૂ કરાઇ છે. આ માંગને લઇ કરાયેલ કાર્યક્રમને વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ, સંગઠનો, યુનિયનોએ પણ પોતાના લેટર પેડ પર લખી સમર્થન આપ્યું હતું.