છેલ્લા પાંચ દિવસથી હડતાલ ઉપર ઉતરેલા તબીબોના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ ઓક્સિજન ઉપર આવી ગઇ હતી. જોકે તબીબોની માંગણીઓ પૂરી કરવાની રાજ્ય સરકારે તૈયારી બતાવી છે. આથી તબીબોની પાંચ દિવસની હડતાલનું પૂર્ણવિરામ આવ્યું છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના તબીબોએ પોતાની પડતર માંગણીઓના ઉકેલની માંગણી સાથે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. જોકે ગત મે-2021ના રોજ તબીબો હડતાલ પાડ્યા બાદ તેઓની માંગણીઓને રાતો રાત સ્વિકારી લેતા હડતાલનો માત્ર 12 જ કલાકમાં અંત આવ્યો હતો. જોકે ત્યારબાદ રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ કર્યા હતા. પરંતુ તેની અમલવારી કરવામાં આવી નથી. આથી તબીબોએ આદેશની અમલવારી માટે પાંચેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી. ઉપરાંત આરોગ્ય મંત્રી અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમ છતાં તબીબોની વાત સ્વિકારવામાં આવી નહી. આથી કંટાળેલા તબીબોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. ગત તારીખ 4થી એપ્રિલથી શરૂ કરેલી હડતાલના શુક્રવારે અંતિમ દિવસે તબીબોએ વૃક્ષારોપણ કર્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાલથી આરોગ્ય સેવાઓ કથળી હતી. તેમાંય સિનિયર તબીબો હડતાલમાં જોડાયેલા હોવાથી ઇન્ડોર દર્દીઓની દાખલ કરવામાં આવતા નહી. ઉપરાંત ઇમરજન્સી કેસમાં પણ 25થી 30 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે તબીબોની હડતાલ પૂર્ણ થઇ છે. પરંતુ આગામી તારીખ 11મી, એપ્રિલ–2022થી જીએમઇઆરએસ હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઇને હડતાલનું શસ્ત્ર ઉગામવશે. આરોગ્યની ધુરા તબીબો અને નર્સિંગ કર્મચારીઓ ઉપર આધારીત હોય છે. ત્યારે હડતાલથી પુન: આરોગ્ય સેવા ઉપર અસર થવાની શક્યતા રહેલી છે.