ડુંગળીના હબ ગણાતા મહુવા યાર્ડમાં હાલમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળતા હોય જેથી ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. જેથી સરકાર દ્વારા વિશેષ સહાય કરવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે મુખ્યમંત્રીને સહાયરૂપ થવા રજુઆત કરેલ છે. મહુવામાં ડુંગળીના ભાવ એકદમ ઘટી ગયા છે. લાલ ડુંગળી 20 કિ.ગ્રા.ના રૂ.70 થી રૂ.175 જયારે સફેદ ડુંગળીના ભાવ 20 કિ.ગ્રા.ના રૂ.120 થી રૂ.200 છે જે ખેડુતોને પડતર કરતા પણ નીચા હોય હરરાજી બંધ કરવાની રજુઆતો કરવામાં આવે છે. ચાલુ વર્ષે ખરાબ હવામાનના કારણે ખેડુતોને વીઘાદીઠ ઉત્પાદન ઓછુ આવેલ છે તેમજ ખાતર, દવા, બિયારણ અને મજુરીના ભાવ વધી જવાથી પડતર ઉંચી આવે છે. સરાસરી ખેડુતોને 20 કિ.ગ્રા. ડુંગળી રૂ.230 જેવી પડતર થાય છે ત્યારે ખેડુતોને રૂ.250 ઉપરાંત ભાવ મળે તો જ પોષણક્ષમ ભાવ મળ્યા ગણી શકાય.
