સૌરાષ્ટ્રમાં ઘંઉની બારમાસી ખરીદીનો ધમધમાટ શરુ થયો છે તે કંપનીઓએ પણ ઘંઉની જથ્થાબંધ ખરીદી શરુ કરી છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં રોજ અંદાજે એકથી દોઢ લાખ મણ ટુકડા અને લોકવન ઘંઉ ઠલવાઈ રહ્યા છે જેમાં લોકો દ્વારા મુખ્યત્વે ટુકડા ઘંઉ જ ખરીદ કરાય છે. ગત વર્ષથી ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. ઈ.સ.૨૦૨૦માં ઘંઉના ભાવ રૂ।.૩૦૦થી ૩૭૫, ગત વર્ષે એપ્રિલમાં સીઝન વખતે રૂ।.૩૩૦-૪૧૦ પ્રતિ મણના ભાવ રહ્યા હતા જે આ વર્ષે આરંભથી જ રૂ।.૪૩૦થી ૫૫૦ વચ્ચે રહ્યા છે. રાજકોટ યાર્ડમાં આજે ૬૦૦૦ ક્વિન્ટલ ઘંઉની આવક થઈ હતી અને પ્રતિ મણના રૂ।.૪૪૨-૫૧૪ના ભાવ રહ્યા હતા. જસદણમાં ૮૦૦ ક્વિન્ટલની આવક સાથે મહત્તમ ભાવ રૂ।.૫૯૦ સુધી નોંધાયા છે તો જુનાગઢમાં રૂ।.૪૦૦-૪૮૯ના ભાવ વચ્ચે ૧૧૫૨ ક્વિન્ટલ ઘંઉની આવક નોંધાઈ છે. અમરેલીમાં બંસી પ્રકારના ઘંઉની આવક શરુ થઈ છે, આજે ૧૮ ક્વિન્ટલની આવક થઈ હતી જે રૂ।.૪૩૪-૪૬૭ના ભાવ રહ્યા હતા. રાજકોટમાં રોજ સરેરાશ રૂ।.સવા કરોડની કિંમતના ૨૫ હજાર મણ ઘંઉ ઠલવાઈ રહ્યા છે અને આ આવક વધી રહી છે. આ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ યાર્ડમાં આવક વધી રહી છે ઉપરાંત ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ખરીદી પણ થાય છે. છૂટક બજારમાં વેપારીઓ આ ઘંઉ રૂ।.૬૦૦થી ૬૫૦ના મણ લેખે વેચે છે. આ માટે વેપારીઓનું કમિશન,નફો ઉપરાંત ઘંઉની સફાઈ કરાવીને તે વેચવામાં આવે છે. ઘંઉની સીઝનની સાથે ઘંઉ સાફ કરાવાની કામગીરીથી પણ રોજગારી જનરેટ થવા લાગી છે. ઘંઉની સાથે જ સૌરાષ્ટ્રમાં ગૃહિણીઓ ઘંઉને આખુ વર્ષ સાચવવા એરંડિયા-દિવેલ લગાવતી હોય છે જે ૧૨ મણે સરેરાશ ૨ લિટર જેટલું વપરાતું હોય છે અને તેની પણ ખરીદી નીકળી છે. દેશમાં ૩ કરોડ હેક્ટરથી વધુ જમીનમાં ઘંઉ વવાય છે અને ઘંઉના પાકમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ૧૨.૨૫ લાખ હેક્ટર જમીનમાં ઘંઉનું વાવેતર થયું હતું અને રાજ્યની કૂલ ખેતીની જમીન પૈકી ૨૫ ટકા જમીનમાં ઘંઉ વવાય છે. વિવિધ જાતના ઘંઉ બજારમાં ધૂમ ઠલવાઈ રહ્યા છે. ગુજરાતમાં ૯૦ ટકાથી વધુ અને વિશ્વમાં આશરે ૩૫ ટકા લોકોનું પેટ ઘંઉ ભરે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં આ વર્ષે ગત વર્ષ જેટલી ધૂમ આવક નથી. ગત વર્ષે તો કોરોના કાળમાં યાર્ડ બંધ રહ્યા હોય એપ્રિલમાં એક દિવસમાં ૫૦ લાખ કિલો અર્થાત્ત અઢી લાખ મણ ઘંઉની એક દિવસમાં આવક માત્ર રાજકોટ ખાતે નોંધાતી હતી. ઘંઉની અનેક જાતોમાં (૧) સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ટુકડા ઘંઉ જ વધુ ખવાતા અને ખરીદાતા રહ્યા છે. ઘરે રોટલી-ભાખરી-પુરી આ ઘંઉની જ બને છે. તેમાં પોષકમૂલ્યો ઉપરાંત ગ્લુટેનનું પ્રમાણ પણ હોય છે(૨) . જ્યારે બંસી ઘંઉમાં ફાઈબરનુ પ્રમાણ વિશેષ , જવ જેટલું હોય છે અને તેને જવિયા ઘંઉ પણ કહે છે. આ ઘંઉ મુખ્યત્વે અમરેલી સાઈડ જોવા મળે છે. (૩) લોક-૧ કે જે લોકવન તરીકે પણ લખાય છ અને મીલબર ઘંઉ પણ કહેવયા છે તે પાચન માટે ભારે ગણાય છે, પરંતુ, મેંદો બનાવવા તેનો ઉપયોગ થાય છે તેથી વ્યાપારીઓ દ્વારા પંજાબપી રેસ્ટોરન્ટ માટે તેની ખરીદી વધુ હોય છે. રાજકોટમાં ઘણા કરિયાણાવાળા રૂમાલી રોટી તરીકે ટુકડા ઘંઉ વેચતા હોય છે જેને વાસ્તવમાં રૂમાલી રોટી સાથે કશી નિસ્બત હોતી નથી. રૂમાલી રોટી તેના નામ મૂજબ રૂમાલ પરથી નામકરણ થયું છે અને તે રોટીનું ના છે જેમાં મેંદો હોય છે અને તે હેલ્ધી ગણાતી નથી. પાચનમાં ભારે હોય છે. જો કે રૂમાલી રોટી રેસ્ટોરન્ટમાં બહુ પ્રચલિત હોય છે