ચૈત્રી પૂનમે શંખલપુર ખાતે માઁ બહુચરને રૂ. 20 લાખની સોનાની આંગી ચડાવાશે, મંદિરને ફૂલોનો નયનરમ્ય શણગાર કરાશે.

Latest Mehsana

યાત્રાધામ શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે કોરોના મહામારી દરમિયાન 25 વર્ષથી ચાલતું સદાવ્રત કોવિડ ગાઇડ લાઇન મુજબ બંધ રખાયું હતું. હવે છુટછાટ અપાતાં બે વર્ષ બાદ એટલે કે આગામી ચૈત્ર સુદ ચૌદસને 15 એપ્રિલથી પુનઃ કાયમી ધોરણે તેને શરૂ કરવાનો નિર્ણય શંખલપુર ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. જેમાં ચૈત્રી પૂનમના રોજ માઁ બહુચરને રૂ. 20 લાખની સોનાની આંગી ચડાવવામાં આવશે તેમજ મંદિરને નયનરમ્ય ફૂલોના શણગારથી શોભાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપતાં ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે 14થી 16 એપ્રિલ દરમિયાન ચૈત્રી પૂનમના મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓ માઁ બહુચરના દર્શન કરવા શંખલપુર પધારતા હોય છે. જેમને નિ:શુલ્ક ભોજનપ્રસાદ મળી રહે તે માટે કોરોનાકાળમાં બંધ રખાયેલી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા 14 એપ્રિલથી કાયમી ધોરણે પુનઃ શરૂ કરવામાં આવશે. ચૈત્ર સુદ ચૌદસ અને પ્રથમ દિવસે ભોજનદાતાનો લાભ ઉદ્યોગપતિ નરભેરામભાઈ માવજીભાઈ સોરીયા (ઘુંટુ-મોરબી) અને બાબુભાઈ કાનજીભાઈ પટેલ (શંખલપુર-સુરત) તેમજ ચૈત્રી પૂનમે ભોજનદાતાનો લાભ સુખડિયા પરિવાર (સાણંદ)એ લીધો છે. મંદિરમાં યાત્રિકોને ભોજન ઉપરાંત પીવાનું પાણી, ન્હાવા-ધોવાની સહિતની વ્યવસ્થા શંખલપુર મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. પૂનમે માં બહુચરને રૂ. 20 લાખની સોનાની આંગી ચડાવાશે. બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરના પ્રાગટ્ય દિવસ ચૈત્રી પૂનમ અને 16 એપ્રિલે માઇભક્ત નરભેરામભાઈ માવજીભાઈ સોરીયા પરિવાર તરફથી રૂ. 20 લાખના ખર્ચે તૈયાર કરાયેલ સોનાની આંગી માં બહુચરને ચઢાવવામાં આવશે. જ્યારે સમગ્ર મંદિરને ફૂલોનો નયનરમ્ય શણગાર અમદાવાદના માઇભક્ત હસમુખભાઈ માળી દ્વારા કરવામાં આવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *