મહીસાગરના લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે કિડનીએ માનવ શરીરમાં ફિલ્ટરનું કામ કરતું હોઇ કિડનીના રોગોમાં ખાસ કરીને ડાયાલિસીસની જરૂરી હોઇ નાગરિકોને નજીકમાં જ ડાયાલિસીસની સેવાઓ મળી રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું જણાવી હાલ રાજયમાં 80 ડાયાલિસીસ સેન્ટરો કાર્યરત થઇ ગયા હોવાનું જણાવી આગામી દિવસોમાં હજુ પણ ડાયાલિસીસ સેન્ટરો કાર્યરત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. લુણાવાડા ખાતે ડાયલિસીસ સેન્ટરનો પ્રારંભ થતાં જિલ્લાના ગરીબમાંથી ગરીબ વ્યકિત સહિત તમામ નાગરિકોને ડાયાલિસીસની નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ થતાં જિલ્લાના નાગરિકોને ડાયાલિસીસ માટે ગોધરા, અમદાવાદ, વડોદરા કે નડીઆદ જવું પડતું હતું તેમાંથી હવે તેઓને મુકિત મળવાની સાથે નાગરિકોના નાણાં અને સમયની પણ બચત થશે. રાજયમાંથી 2025 સુધીમાં ક્ષય રોગનું નેસ્તનાબૂદ કરવાની સરકારની નેમ વ્યકત કરી રાજય સરકારના ટી.બી. રોગને નેસ્તનાબૂદ કરવાના કાર્યમાં સહભાગી થવા જણાવ્યું હતું. મંત્રી નિમિષાબેન સુથાર તથા ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવકે જનરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ વિભાગનો પ્રારંભ કરાવ્યા બાદ ડાયાલિસીસની સેવાઓ લઇ રહેલ દર્દીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર-અંતર પૂછયા હતા. કલેકટર, ડીડીઓ, ભાજપ પ્રમુખ, લુણાવાડા પાલિકા પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન, મહાનુભવો, આમંત્રીત મહેમાનો, સામાજિક અગ્રણીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.