સુરેન્દ્રનગરમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભડકે બળતા ભાવોને લઈને ગૃહિણીઓમાં કકળાટ મચ્યો છે. એક બાજુ ગરમીનો પારો સડસડાટ વધી રહ્યો છે. તે રીતે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ ગણાતા શાકભાજીના ભાવો પણ આસમાને આંબી રહ્યા છે. દરેક પ્રકારના શાકભાજીમાં ભાવ વધારો થયો છે. મોંઘવારીએ એટલી હદે માજા મૂકી છે કે, શાકભાજીના ભાવોએ મહિલાઓના ઘરનું અર્થતંત્ર વેરવિખેર કરી નાખ્યું છે. સુરેન્દ્રનગરમાં એક મહિના પહેલા જે છૂટકમાં શાકભાજીના ભાવો હતા. તેમાં હવે ડબલ કે અઢી ગણો ભાવવધારો થયો છે. જો કે આ તો મુખ્ય શાકમાર્કેટમાં વેંચાતા શાકભાજીના ભાવો છે. બાકી તો શેરીએ ગલીએ રેકડીમાં વેંચાતા શાક બકાલાના ભાવ તો ત્રણ ગણાથી વધુ છે. કારણ કે મુખ્ય શાક માર્કેટમાંથી ખરીદીને નાના બકાલીઓ શેરી ગલીમાં વેંચતા હોય છે. એટલે એના ભાવો શાક માર્કેટ કરતા વધુ હોય છે. આમ પણ મોટા ભાગના વિસ્તારોમાં રેકડીઓમાંથી મહિલાઓ શાકભાજી ખરીદતી હોય છે. એટલે એ મહિલાઓને શાકભાજીના ત્રણ ગણા ભાવો આપવા પડે છે. હાલ બટેટા, લીંબુ, ટામેટા, રીંગણા, વટાણા, ભીડો, ગવાર, ફુલાવર, મરચા, ડુંગળી સહિતના મોટાભાગના શાકભાજી ડબલ કે અઢી ગણો ભાવવધારો થયો છે. જો કે આ શાકભાજીમાં થયેલો એટલો બધો ભાવવધારો મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ગરમી કરતા પણ વધુ રીતે દઝાડી રહ્યો છે. ત્યારે સામાન્ય વર્ગની શું વિસાત? સામાન્ય વર્ગને આમ પણ બે છેડા ભેગા કરવામાં નાકે દમ આવી જાય છે. ત્યારે હાલ શકભાજીના ભાવવધારાએ સામાન્ય વર્ગની રાડ પાડી દીધી છે. અને ઘરનું બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
શાકભાજીના કિલો દીઠ મહિના પહેલાના ભાવ અને હાલના ભાવ (રૂપિયામાં) – લીંબુ – 100- 250,બટેટા- 20- 25,ટામેટા- 20- 40,ભીંડો- 60- 80,ફુલાવર- 30- 40,મેથી- 30- 60,રિંગણા- 30- 45,કોબીચ- 20- 35,મરચા- 50- 70,કાકડી- 40- 60,મૂળા- 20- 30,વટાણા- 50- 70,સરગવો- 30- 60,ચોરી- 60- 90,ડુંગળી – 20-35