જૂનાગઢમાં દિન પ્રતિદિન સૂર્યનારાયણ ભગવાનનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. દરરોજ ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગુરૂવારે ઉનાળાની સિઝનની સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી પડતા શહેર અગનગોળામાં ફેરવાઇ ગયું હતું. જૂનાગઢ શહેરમાં શનિવારથી મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો છે. આ અંગે કૃષિ યુનિવર્સિટીના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શનિવારે 40.1, રવિવારે 41, સોમવારે 41.9, મંગળવારે 41.2, બુધવારે 42.3 અને ગુરૂવારે 43.2 ડિગ્રી ગરમી પડી હતી. આમ, છેલ્લા 6 દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર રહેવા પામ્યો છે. જ્યારે શનિવારે 40.1 ડિગ્રી રહ્યા બાદ છેલ્લા 5 દિવસમાં ગરમીમાં 3.1 ડિગ્રીના વધારા સાથે 43.2 ડિગ્રી કાળઝાળ ગરમી પડી હતી.હજુ પણ તાપમાનનો પારો ઉંચો રહેવાની સંભાવના વ્યકત કરાઇ રહી છે. દરમિયાન ગુરૂવારે 43.2 ડિગ્રી ગરમીના કારણે રસ્તામાં બપોરના સમયે સ્વયંભૂ કફર્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. રસ્તા સૂમસામ રહ્યા હતા તેમજ પશુઓ પણ ગરમીથી બચવા ઝાડના છાંયે આરામ કરતા નજરે પડયા હતા. જ્યારે ના છૂટકે બહાર નિકળનાર લોકો અંગ દઝાડતી ગરમીથી બચવા ટોપી, ચશ્મા, મોંઢે રૂમાલનો સહારો લઇ રહ્યા હતા. ગરમીના કારણે ઠંડા પીણા, શેરડીના રસના ચિચોડા વાળાને ત્યાં ભીડ રહેવા પામી હતી. ગુરૂવારે લઘુત્તમ 21.5, મહત્તમ 43.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 61 ટકા અને બપોર બાદ 12 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 5.2 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
Home > Saurashtra > Junagadh > ઉનાળાની સિઝનની સૌથી વધુ 43.2 ડિગ્રી ગરમી સાથે શહેર અગનગોળામાં ફેરવાયું.