મોંઘવારીએ માઝા મુકી દીધી હોય તેમ આણંદ ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઘરેલુ પીએનજી ગેસમાં એકાએક રૂા 2 નો ભાવ વધારો ઝીંકી દેવાયો છે.ત્યારે 12 દિવસ અગાઉ પીએનજી ગેસના ભાવમાં રૂ.4નો વધારો કરાયો હતો. જયારે ગુરૂવારે ચરોતર પીએનજી ગેસમાં 1 યુનિટે રૂા 2 નો વધારો કરાયો છે. ઘરેલુ ગેસના ભાવમાં શુક્રવારે ભાવ વધારો ઝીંકવાના કારણે મધ્યમવર્ગની કમર તુટી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ ચરોતર ગેસ દ્વારા આણંદ જિલ્લામાં 50 વધુ ગામડાઓમા ઘરેલુ ગેસના 38 હજારથી વધુ કનેકશન ધારકોને ગેસ પુરવઠો પુરો પાડવામાં આવે છે. હાલ જુદી જુદી કંપનીના ગેસમાં ભાવ વધારો કરવાની સ્પર્ધામાં હજારોની સંખ્યામાં ચરોતર વાસીઓએ પીસાઈ રહ્યાં છે.ત્યારે ચરોતર ગેસ મંડળીના સંચાલકોએ જણાવ્યું હતું કે, જીએસપીસી ગેસ કંપની અને ગેઇલ કંપનીમાંથી ગેસ જથ્થો પુરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી. જેના કારણે ગેસની કિંમત રોજબરોજ વધતી હોય છે. આથી, ખર્ચને પહોંચી વળવા માટે ચરોતર ગેસ દ્વારા પીએનજી ગેસના ભાવ રૂા 2 નો વધારો 7મી એપ્રિલથી અમલમાં મુકવામાં આવ્યો છે. હવે પીએનસજી ગેસ ધારકોને નવા ભાવ રૂા 41.05 એક યુનિટ દીઠ ચુકવવા પડશે.આમ ચરોતર ગેસ સહકારી મંડળી લી. દ્વારા ઘરેલું ગેસમાં રૂ.2 નો ભાવ વધારો કરી દેવામાં આવતા હવે ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાઈ જશે. રસોડા ખર્ચ બે વર્ષમાં બમણો થઇ ગયો છે. પહેલા ચાર માણસની રસોઇ બનાવવા માટે માસિક 350 થી 400 રૂપિયાનો ગેસ વપરાતો હતો. હવે 600 રૂપિયાનો ગેસ વપરાય છે. ગેસની સાથે સાથે મરીમસાલા, તેલ, દૂધ, કઠોળ, શાકભાજીના ભાવ વધી ગયા છે. તેના કારણે મધ્યમવર્ગને બે ટંક ખાવું શું તે પ્રશ્ન થઇ પડયો છે. એક વર્ષના મસાલા બે વર્ષ અગાઉ માત્ર રૂ.1500માં ભરાયા જતાં હતા. જયારે ચાલુવર્ષે રૂ.2600 થી 3000 હજારમાં મસાલા ભરવાનો વખત આવ્યો છે. તેથી ગૃહિણી બચતમાં ભારે ઘટાડો થયો છે. આવકમાં સામાન્ય વધારો થયો છે. તેની સામે મોંઘવારીમાં ચાર ગણી વધી ગઇ છે.સતત વધી રહેલી મોંઘવારીને કારણે કેટલાંક પરિવારો મોજશોખ પર કાપ મૂકીને બે ટંકનું ભોજન કરી શકાય તેટલી માત્રામાં અનાજ અને શાકભાજીની ખરીદી કરવાનો વખત આવ્યો છે.