પેટ્રોલ, ડિઝલ અને સી.એસ.જી.ના ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા જીવન જરૂરી તમામ ચીજોના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. હાલ ઘઉં, ચોખા, દાળ અને મસાલાની સીઝન શરૂ થતા અનાજ અને મસાલામાં 20 થી 30 ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે જેના પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવનગરમાં ટોપ થ્રી સીનેમા પાસે અને નારી રોડ પર મસાલા બજાર ભરાય છે. આ સ્થળે એકત્રિત થયેલી મહિલાઓએ સીઝન સમયે જ આ ભાવ વધારા સામે આક્રોશ ઠાલવ્યો છે. જ્યારે દાણાપીઠ અનાજ બજારના વેપારીઓએ બાર મહિનાનું અનાજ લેતા ગ્રાહકો ભાવવધારાને કારણે ઓછા માલ લઈ જતા હોવાનુ અને કેટલાક નિયમિત ગ્રાહકોએ તો આ વખતે બાર મહિનાનું અનાજ નહી ભરવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યુ હતું. અત્યારે બાર મહિનાનું અનાજ અને તેલ ભરવાની સીઝન છે. ઘઉંમાં 100 કિલોએ રૂા.2200 થી 2800 ભાવ વધીને રૂા.2500-5000 ભાવ થયો છે. એ જ રીતે ચોખામાં રૂા.25 ભાવ વધારો થયો છે. તેલમાં શીંગતેલમાં ડબે રૂા.250 વધ્યા છે. જ્યારે કપાસીયા તેલમાં ડબે રૂા.450 વધ્યા છે. એ જ રીતે કઠોળ સહિત જીવનજરૂરિ ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે.મહિલાઓ મજબુર બની મહિના ટૂંકાવે છે. મરચા અને મસાલાના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. મરચુ ગતવર્ષે કિલોના રૂા.180 થી 300ની સામે ચાલુ વર્ષે રૂા.230 થી 550, હળદરમાં રૂા.150થી વધીને ભાવ રૂા.200, ધાણાજીરૂમાં રૂા.130 થી 180 વધીને ભાવ રૂા.150 થી 300 થયો છે. હાલ મસાલાની સીઝન હોવાથી આ ભાવ વધારાથી ગૃહિણીઓને મજબુરી સાથે ભાવ વધારે દેવા પડે છે. પણ બાર મહિનાનો મસાલો સીઝનમાં જ ભરવો પડે છે. કેટલાકે બાર મહિનાની બદલે દસ મહિનાની વસ્તુ ભરવાનું નક્કી કર્યું છે. આથી આ વર્ષે મસાલામાં બાર મહિના કાઢવા મુશ્કેલ બની રહેશે. કોરોનાકાળના બે વર્ષ દરમિયાન તમામ ધંધાઓમાં મંદી રહી હતી જ્યારે નોકરીયાતોને પણ પગારકાપનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે બચત બધાને કામ આવી હતી અને કપરો સમય હેમખેમ પસાર કર્યો હતો. પણ હવે બચત કોરોના સ્વાહ કરી ગયો છે ત્યારે તમામ વસ્તુઓમાં આવેલો ભાવ વધારો મહિલાઓને દઝાડી રહ્યો છે.