રાજ્યમાં તાજેતરમાં 75 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી તેમજ બઢતી કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની બદલી મોરબી ખાતે થઈ છે. જ્યારે રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાની ગીર સોમનાથના પોલીસ વડા તરીકે નિમણુંક થઈ હતી. જેને લઈ સોમનાથમાં એકને વિદાય અને એક અધિકારીનું સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાડા ત્રણ વર્ષથી વધુ સમય સુધી ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા તરીકે સેવા બજાવનારા એસપી રાહુલ ત્રિપાઠીને અદકેરૂ અભિવાદન સાથે વિદાય આપવામાં આવી હતી. આ સાથોસાથ જિલ્લામાં બદલી પામી નિયુકત થયેલા એસપી મનોહરસિંહ જાડેજાનું અદકેરૂ સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. આ સમારોહ સ્થળે એસપી રાહુલ ત્રીપાઠીને ખુલ્લી જીપ્સીમાં બેસાડી ગુલાબ વરસાવી માનભેર વિદાય પોલીસકર્મીઓ દ્વારા આપવામાં આવી હતી. આ સમારોહમાં જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, ડીડીઓ રવિન્દ્ર ખતાલ, ડીસીએફ ડો.મોહન રામ, ઘીરજ મિતલ, સુનીલ બેરીવાલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહી બંને પોલીસવડાઓને મોમેન્ટો આપી સન્માન કર્યુ હતું. આ સાથે એસપી રાહુલ ત્રિપાઠીને પોલીસ પરીવાર ઉપરાંત સામાજીક સંસ્થાઓના આગેવાનોએ પુષ્પગુચ્છો આપી માનભેર વિદાય આપી હતી. જયારે એસપી મનોહરસિંહ જાડેજાનું જિલ્લામાં સ્વાગત કર્યુ હતું. આ સમારોહ બાદ પ્રસિદ્ધ સાહિત્યકાર કિર્તીદાન ગઢવી અને અપેક્ષા પંડયાનો ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો. જેને હાજર સૌ એ માણ્યો હતો. આ સમારોહમાં આગેવાનોએ પોલીસવડા ત્રીપાઠીના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીની યાદગીરી વર્ણવી બિરદાવી હતી. જેના પ્રત્યુતરમાં એસપી રાહુલ ત્રીપાઠીએ કાર્યકાળ દરમિયાન પોલીસ અધિકારી અને કર્મચારીઓના મળેલા સહયોગને યાદ કરી ટીમવર્કની ભાવનાથી ફરજ નિભાવવાના લીધે તથા જુદા-જુદા સમાજના આગેવાનો અને સંસ્થાના પ્રતિનિધિઓના સહયોગથી કાયદો વ્યવસ્થા સારી રીતે સંભાળી પોલીસ પ્રજાની મિત્ર હોવાના સુત્રને સાર્થક કરી શકયા છે.
Home > Saurashtra > Gir - Somnath > ગીર સોમનાથ જિલ્લાના SPની બદલી થતા ભાવભેર વિદાય અપાઈ, નવા SPનું સ્વાગત કરાયું.