વઢવાણના કોઠારિયા ગામમાં સેવાભાવી સંત વજાભગતના આશ્રમે ગૌશાળાના લાભાર્થે ગુજરાતના જાણીતા કથાકાર જિજ્ઞેશદાદાની દિવ્ય કથા ચાલી રહી છે. તા.2 એપ્રિલને શનિવારથી શરૂ થયેલી આ કથાની તા.8 એપ્રિલ શુક્રવારે પૂર્ણાહુતિ થશે. ત્યારે હાલ 5 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દિવસે કથા, રાત્રે ભજન અને લોકમેળામાં તરબોળ બન્યા છે. કોઠારિયા ગામની પવિત્ર ભૂમિમાં જન્મેલા વજાભગના શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ કોઠારિયા દ્વારા આજે પણ અનેક સેવાકિય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં સૌથી વધુ આશ્રમની ગૌશાળામાં રહેલી 1000 હજારથી વધુ ગાયના લાભાર્થે તા. 2થી 8 એપ્રિલ સુધી કથાકાર જિજ્ઞેશદાદાના મુખે ભગવત કથાનું મોટી સંખ્યામાં લોકો રસપાન કરી રહ્યા છે. જેમાં સર્વજ્ઞાતિય સમૂહલગ્ન 111 દીકરીનું કન્યાદાન પણ કરવામાં આવ્યું હતું. કોઠારિયા લખતર રોડ પર ચાલતી આ કથામાં દરરોજ હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી માણસો આવતા તેમને બંને ટાઇમ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રામરોટી આશ્રમ પરિવાર તથા ગ્રામજનોની સાથે સેવાભાવી લોકો પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે કથાના 5 દિવસ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો તેમજ કથા, ભજન અને મેળાની મોજ બાળકોથી લઇને મોટી ઉંમરના લોકો લઇ રહ્યા છે. કથા, ભજન અને મેળામાં દિવસે દિવસે વધતી હરિભક્તોની સંખ્યાના કારણે ઝાલાવાડમાં હાલ કોઠારિયા ગામ આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.