નિયમિત વેરો ભરતા નાગરિકોને આ વર્ષે મિલકત વેરામાં વધુ અપાશે વળતર, 12 ટકાથી 22% સુધી મળશે રાહત.

Latest Rajkot

રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરા વળતર યોજના ગુરુવારથી શરૂ થઈ રહી છે. દર વખતની જેમ આ વર્ષે પણ 10 ટકા છૂટ અપાઈ છે પણ જે નિયમિત વેરો ભરે છે તેમને વધુ 1 ટકાની છૂટ આપવા માટે નિર્ણય કરાયો છે આ ઉપરાંત 4 વર્ષ પહેલા દિવ્યાંગોને અપાયેલો 5 ટકાનો વધુ લાભ પણ આ વર્ષે મળશે. જો મિલકતધારક મે બાદ વેરો ભરશે તો તેને 6 ટકા જેટલી રકમની છૂટ ગુમાવવી પડશે. મનપા બે તબક્કામાં વળતર યોજના લાવે છે 7 એપ્રિલથી 31 મે સુધી વેરો ભરનાર 10 ટકા અને 1 જૂનથી 30 સુધી ભરનારને 5 ટકા વળતર અપાય છે પણ જો મિલકતધારક મહિલા હોય તો તેને વધુ 5 ટકાની રાહત મળે છે. દિવ્યાંગોને પણ આ વર્ષથી વધારાના 5 ટકા મળશે. આ ઉપરાંત જો મિલકતધારકો ઓનલાઈન મિલકત વેરો ભરે તો વધુ 1 ટકા મળે છે. આ યોજના ઉપરાંત જો મનપાના રેકોર્ડ પર સતત 3 વર્ષથી કોઇ મિલકતનો વેરો નિયમિત ભરાતો હશે તેને વધુ 1 ટકાની રાહત આપવામાં આવશે આ રીતની ગણતરી કરતા ઓછામાં ઓછા 10 ટકા અને અમુક મહિલા લાભાર્થીઓને વધુમાં વધુ 22 ટકા જેટલું જંગી વળતર મળશે. આ રાહતને કારણે આ વર્ષે વધુમાં વધુ લોકો વેરો ભરવા આવશે આ કારણે આવકમાં પણ વધારો થશે અને જૂન 30 સુધીમાં જ 100 કરોડ રૂપિયા આ રીતે ભેગા કરી બાકીના સમયમાં 250 કરોડ રૂપિયા પ્રોફેશન ટેક્સ, વાહન વેરા, જપ્તી, સીલિંગ સહિતની કાર્યવાહીમાંથી ભેગા કરી લક્ષ્યાંક પૂરો કરવા પ્રયત્ન કરાશે. જો મિલકતધારક મહિલા હોય તો તેમને 10 ટકા ઉપરાંત 5 ટકા વધારાની રાહત મળે છે આ સિવાય જો નિયમિત વેરો ભરતા હોય અને ઓનલાઈન ચૂકવણી કરે તો વધુ 2 ટકા સાથે કુલ 17 ટકા છૂટ મળે. જો મિલકત વેરો 2500 રૂપિયા આવતો હોય તો આ કેસમાં 425 રૂપિયાની રાહત સાથે 2075 ભરવાના થશે. જો કોઇ દિવ્યાંગ મહિલાના નામે મિલકત હોય અને ઉપર મુજબ નિયમિત વેરો અને ઓનલાઈન ભરે તો વધુ 5 ટકા મળતા તેમને 550 રૂપિયા છૂટ મળતા 1950 ભરવાનો થશે. સામાન્ય પુરુષોને વધુમાં વધુ 12 ટકા દિવ્યાંગ પુરુષોને 17 ટકા છૂટ મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *