રાજકોટ એરપોર્ટ પર સુવિધા વધી, એકસાથે 5 ફ્લાઇટ પાર્ક થઈ શકશે.

Latest Rajkot

રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગના અભાવને કારણે એક કરતા વધુ ફ્લાઈટના પાર્કિંગ અને લેન્ડિંગ માટે સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ કરવાના અનેક ઉદાહરણ છે. જેને કારણે મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. મુસાફરોને પડતી અવારનવાર મુશ્કેલીનો ઉચ્ચકક્ષાએ પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ એરપોર્ટ તંત્રએ પોતાની આળસ ખંખેરી છે અને કામગીરીમાં ઝડપ રાખતા હવે રાજકોટ એરપોર્ટ પરની સુવિધામાં વધારો થયો છે. હજુ થોડા સમય પહેલા બે ફ્લાઈટ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે એરપોર્ટ પર એકસાથે પાંચ ફ્લાઇટ પાર્ક થઇ શકે તેવી સુવિધા આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહી છે. એપ્રોન તૈયાર થઇ ગયું છે. હવે મંજૂરી માટે રાહ જોવાઈ રહી છે. આ માટે ડીજીસીએની ટીમ નિરીક્ષણ માટે રાજકોટ આવી શકે છે. કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરને કારણે હવાઈ યાત્રિકો સૌથી ઓછા નોંધાયા હતા, પરંતુ હવે ઉનાળુ વેકેશન અને દેશમાં કોરોના કેસ ઘટતા લોકો ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન પ્રવાસ માટે સૌથી વધુ લોકો જતા હોય છે. એકલા માર્ચ માસની વાત કરીએ તો રાજકોટ એરપોર્ટ પરથી આ માસમાં 62,264 મુસાફર નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીમાં 32,278 અને ફેબ્રુઆરીમાં 41093 મુસાફર નોંધાયા હતા. આ પહેલા સૌથી વધુ મુસાફરો નવેમ્બર 2021માં 60,521 નોંધાયા હતા. આ સમયે દિવાળી તહેવાર હોવાને કારણે સામાન્ય દિવસો કરતા વધુ ટ્રાફિક રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *