પીલગાર્ડનમાં પીવાનુ પાણી મળતુ નથી, ફુવારા પણ બંધ.

Bhavnagar Latest

સરકારી તંત્રમાં જે તે કામ માટે લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે, આવુ જ ભાવનગર શહેરના પીલગાર્ડનમાં જોવા મળી રહ્યુ છે. મહાપાલિકા હસ્તકના પીલગાર્ડનમાં આજે સોમવારે પીવાનુ પાણી ના હતુ તેથી ફરવા આવતા લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં. આ ઉપરાંત કેટલાક ફુવારા પણ બંધ હાલતમાં હતાં.  ભાવનગર શહેરની મધ્યમાં મહાપાલિકા હસ્તકના પીલગાર્ડનમાં આજે સોમવારે પીવાના પાણીના ધાંધીયા જોવા મળ્યા હતાં. પીલગાર્ડનમાં ફરવા આવેલ લોકો પીવાના પાણી માટે ફાંફા મારતા નજરે પડયા હતા પરંતુ પીવાનુ પાણી મળ્યુ ના હતુ તેથી લોકોએ બહાર રૂપીયા ખર્ચીને પાણી પીવુ પડયુ હોવાનુ સુત્રોએ જણાવેલ છે. આ ઉપરાંત ૮માંથી ૪ ફુવારા પણ બંધ હાલતમાં છે તેથી ફરવા આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. ભાવનગર મહાપાલિકા દ્વારા થોડા વર્ષ પૂર્વે પીલગાર્ડન રીનોવેશન કરાવવામાં આવ્યુ હતુ અને લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ લાખો રૂપીયાના ખર્ચ પછી પણ પીલગાર્ડનમાં સુવિધાના નામે ધાંધીયા જોવા મળી રહ્યા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. ભાવનગર મનપામાં ભાજપનુ વર્ષોથી શાસન છે અને છતા સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમ લોકોમાં ચર્ચાય રહ્યુ હતું.  પીલગાર્ડનમાં ફરવા આવતા લોકોને પીવાનુ પાણી ના મળે તે યોગ્ય ના કહેવાય. હાલ ઉનાળાની ગરમીમાં પાણી વગર લોકોને ચાલે તેમ નથી ત્યારે જ પાણી ના હોય તે ગંભીર બાબત કહી શકાય. પીલાગાર્ડનમાં રોજ ઘણા લોકો આવતા હોય છે ત્યારે પીવાનુ પાણી ખાલી ના થાય તેવુ આયોજન કરવુ જોઈએ પરંતુ હાલ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો હેરાન થતા હોય છે. વાલીઓ બાળકોને લઈ પીલગાર્ડમાં આવતા હોય છે અને બાળકોને પીવા માટે પાણી ના મળે તે ખરાબ બાબત કહેવાય. પીવાના પાણી અને ફુવારા અંગે તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે ત્યારે મનપા કયારે પગલા લેશે ? તેની રાહ જોવી જ રહી.  કેટલાક ફુવારા બંધ છે પરંતુ પીવાના પાણીની ફરિયાદ મળી નથી. ભાવનગર શહેરના પીલગાર્ડનમાં આજે સોમવારે પીવાનુ પાણી ના હતુ અને ફુવારા બંધ હતા તેથી લોકો પરેશાન થયા હતાં. આ અંગે મહાપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારી કે.કે.ગોહિલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, પીવાનુ પાણી ના હોય તેવી કોઈ ફરિયાદ મળી નથી છતા તપાસ કરાવવામાં આવશે. કેટલાક ફુવારા લાંબા સમયથી બંધ છે. ઉંદરડા વારંવાર વાયરીંગ કાપી નાખે છે તેથી સમસ્યા રહે છે. રોશની વિભાગ દ્વારા રીપેરીંગ કામગીરી પણ કરવામાં આવતી હોય છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *