માર્ચ એન્ડિગ બાદ ગોહિલવાડના વિવિધ માર્કેટીંગ યાર્ડોમાં ફરી વખત ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતપેદાશોની ધૂમ આવક શરૂ થતા મોટા ભાગના યાર્ડની બંને સાઈડ જણસ ભરેલા વાહનોની એકથી બે કિલોમીટરની લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ રહી છે. આજે સોમવારે પણ યાર્ડમાં વિવિધ જણસોની આવક શરૂ થઈ રહી હતી.મહુવાના યાર્ડમાં સફેદ કાંદાની ધૂમ આવક નોંધાઈ રહી છે. ભાવનગર અને બોટાદ શહેર અને જિલ્લા સહિતના માર્કેટીંગ યાર્ડોમાં માર્ચ એન્ડિંગનું આઠ દિવસની મીની વેકેશન પૂર્ણ થતા તમામ માર્કેટીંગ યાર્ડો કૃષિપેદાશોની આવક જાવકથી ફરી વખત ધમધમવા લાગ્યા છે. ગત તા.૨૪ માર્ચ આસપાસથી નાણાકિય વર્ષાંત અન્વયે હરરાજીનું કાર્ય સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યુ હતુ. આ મીની વેકેશન દરમિયાન માર્કેટીંગ યાર્ડના કાર્યાલયમાં વર્ષાંત નાણાકીય કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. દરમિયાન તા.૪ એપ્રિલને સોમવારથી સંભવત દરેક યાર્ડોમાં ઘંઉ, મગફળી, ચણા,ધાણા,ડુંગળી સહિતની વિવિધ ખેતપેદાશોની ધૂમ આવકનો પ્રારંભ થયો હતો.ભાવનગર અને બોટાદના માર્કેટીંગ યાર્ડમાં સવારથી મોડી સાંજ સુધી કૃષિપેદાશો વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે.જેથી યાર્ડો ખેડૂતો, વેપારીઓ અને દલાલની અવરજવરથી ધમધમવા લાગ્યા છે.દરમિયાન મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ કાંદાની આવક તા.૬.૪ ને બુધવારે સાંજે ૮ થી ગુરૂવારે સવારે ૯ સુધી જ લેવામાં આવશે.ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં સફેદ કાંદાની આવકને પ્રવેશ આપવામાં આવશે નહિ તેમ મહુવા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતુ. મહુવા માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના મીની વેકેશન બાદ આજે સોમવારે પ્રથમ દિવસે શીંગ મગડીની ૮૯૩ ગુણીનું વેચાણ થયુ હતુ. જયારે આ યાર્ડમાં લાલ ડુંગળીની ૪૫,૧૨૫ થેલીનું અને સફેદ ડુંગળીની ૮૭,૨૪૬ થેલીનું નોંધપાત્ર પ્રમાણમાં વેચાણ થયુ હતુ.