પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં વાડ તૈયાર થયા બાદ સહાયની રકમ RTGS દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. વન્ય પ્રાણીઓથી પાક સંરક્ષણ માટેની કાંટાળા તારની વાડની યોજનામાં ખેડૂતોએ જમીન માપણી કે અન્ય કામગીરીમાં એજન્સી અથવા તેમના કર્મચારીઓને કોઈ પણ પ્રકારના નાણા ચૂકવવાના નથી તેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને સ્પષ્ટપણે જણાવ્યુ છે. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતુ અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડને અમલીકરણ એજન્સી તરીકે નિયુકત કરવામાં આવી છે. જે અંતર્ગત નિગમ દ્વારા ખેડૂતોએ કરેલ અરજી માટે ગ્રામીણ સર્વે, એનાલિસીસ, સ્થળ ચકાચણી, ગુણવત્તા ચકાસણી, પ્રચાર તેમજ આયોજનની કામગીરી અર્થે મેસર્સ સેલન પ્રોજેકટ કન્સલટન્ટ પ્રા.લી.ને કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી પેટે કંપનીને ગુજરાત એગ્રો દ્વારા નાણા ચૂકવવામાં આવે છે. આથી કાંટાળા તારની વાડની યોજના હેઠળ જમીન માપણી કે અન્ય કોઇ કામગીરી માટે ખેડૂતોએ એજન્સીના કોઇ પણ કર્મચારીને નાણા ચૂકવવાના નથી તેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને વધુમાં જણાવ્યુ છે. આ એજન્સીના સ્થળ ચકાસણીના રીપોર્ટના આધારે નિગમના જિલ્લા સ્તરે આવેલાં કેન્દ્રો ખાતેથી ખેડૂતોને તારની વાડ બનાવવાના વર્ક ઓર્ડર આપવામાં આવે છે. તારની વાડ બન્યા બાદ એજન્સીના રીપોર્ટના આધારે નિગમના ખેત સેવા કેન્દ્રો સહાય મંજૂરીના આદેશ તેમજ પેમેન્ટ ઓર્ડર ઇસ્યુ કરે છે. જેના આધારે નિગમની ગાંધીનગર સ્થિત વડી કચેરી ખાતેથી ખેડૂતોના ખાતામાં RTGSથી ડાયરેક્ટ સહાયની રકમ જમા કરવામાં આવે છે.