હાલોલ-વડોદરા રોડ પર આવેલ પ્રસિદ્ધ કેબલ વાયર બનાવતી કંપની પોલિકેબના પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.એસ.આર. ટીમ દ્વારા હાલોલ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોની પ્રજાને પડતી મુશ્કેલીઓ નિવારવા સતત કામગીરી કરાઈ રહી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય પાણીના પ્રશ્નો સહિતની વિવિધ પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખી વિકાસકીય કામગીરી કરવામાં આવી ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સમસ્યાઓને દૂર કરાઈ રહી છે. જે અંતર્ગત પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નવીન શાળાઓનું નિર્માણ કરવું શાળાઓનું રિનોવેશનનું કામ કરવું આંગણવાડીઓ બનાવી ચેકડેમ બનાવવા તેમજ ખેતીને લગતાં વિવિધ ઓજારોનું વિતરણ કરવું અને આરોગ્યને લગતાં વિવિધ કેમ્પો કરી ગ્રામજનોના હિતના કાર્ય કરી ગ્રામીણ વિસ્તારનો વિકાસ હાથ ધરાઈ રહ્યો છે. જે અંતર્ગત હાલોલ તાલુકાના અરાદ ગામે પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.એસ.આર. ટીમ દ્વારા નવિન આંગણવાડી નંદઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ રવિવારના રોજ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.એસ.આર ટીમના નિખિલ બેડારકર, આશિષ વરિયા, તરુણ સોલંકી, ભાર્ગવ મેહતા, સહિતની ટીમ અને અરાદ ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઢોલ-નગારાના તાલે ગ્રામજનોનોએ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત તમામ લોકોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. જેમાં ધારાસભ્ય સહિત આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓના હસ્તે રીબીન કાપી નંદઘરનું ઉદ્દઘાટન સાથે લોકાર્પણ કરી ગ્રામીણ બાળકો માટે ખુલ્લું મૂકાયું હતું.