કોરોનાના પ્રતિબંધો હળવા થવાના લીધે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓ 2 વર્ષના વિરામ બાદ ફરી ઓસ્ટ્રેલિયા, કેનેડા અને UKની વિદેશી યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં માર્ચના (Spring) સત્રમાં પ્રવેશ મેળવવા માટે ધસારો કરી રહ્યા છે. અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં ફરી એક વખત સ્ટુડન્ટ, ઈમિગ્રન્ટ અને ટુરિસ્ટ વિઝા એપ્લિકન્ટ્સ પાસપોર્ટ માટે લાઈન લગાવી રહ્યા છે. અમદાવાદ ડિવિઝન RPOના આંકડાઓ પ્રમાણે માર્ચ 2020માં તેમને 34,840 પાસપોર્ટ એપ્લિકેશન મળી હતી અને બેકલોગ સાથે 37,205 પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. એક વર્ષ બાદ આંકડાઓમાં સામાન્ય વધારા સાથે 39,742 એપ્લિકેશન મળી હતી અને 42,145 પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ માર્ચ 2022માં કોરોના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ફરી પાસપોર્ટ માટે અરજી કરવાનું શરૂ કર્યું હતું. અમદાવાદ RPOએ ચાલુ વર્ષે માર્ચ મહિના દરમિયાન 49.921 પાસપોર્ટ ઈસ્યુ કર્યા છે. વિઝા કન્સલ્ટન્ટ્સના કહેવા પ્રમાણે ઈસ્યુડ પાસપોર્ટમાં જોવા મળેલા વધારા પાછળ મુખ્યત્વે 3 પરિબળો જવાબદાર છે. સૌથી અગત્યનું પરિબળ વિદ્યાર્થીઓ છે. આ 40% અરજદારો ઓસ્ટ્રેલિયા, કેનેડા અને UKની વિદેશી કોલેજીસના માર્ચના સત્રમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે. બીજા ક્રમે ઈમિગ્રેશન માટેની 30% અરજીઓ જવાબદાર છે અને ત્રીજું કે 2 વર્ષ બાદ ફરી ઉમરાહ અને હજ શરૂ થઈ રહ્યા છે તેના માટે પાસપોર્ટ અરજી થઈ રહી છે. જ્યારે બાકીની અરજીઓ પરિવારજનોને મળવા માટેની છે. અમદાવાદ, ઉત્તર ગુજરાત અને 19 જેટલી પોસ્ટ ઓફિસ પોતાને મળતી પાસપોર્ટ અરજીઓ અમદાવાદ RPOને મોકલી આપે છે. વરિષ્ઠ પાસપોર્ટ અધિકારીના કહેવા પ્રમાણે તેમને દરરોજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી 1,600 અરજીઓ મળે છે અને બાકીની અરજીઓ આણંદ, ખેડા અને મહેસાણા જેવા નજીકના ક્ષેત્રોની હોય છે.